જૂનાગઢમાં પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો ગોંડલનો શખ્સ ઝડપાયો
જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના ખાનગી વાહનમાં POLICE લખેલું બોર્ડ લગાવીને જાહેર માર્ગ પર નીકળ્યો હતો, જોકે તે રાજ્યસેવક તરીકેનો કોઈ હોદ્દો ધરાવતો ન હતો.
વાહનોમાં ખોટા હોદ્દા દર્શાવતા બોર્ડ લગાવીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ભાગરૂૂપે બી ડિવિઝન પોલીસે આ શખસને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ જે.જે.પટેલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને જૂનાગઢ ચીતાખાના ચોકથી કોર્ટ તરફ જતા રોડ પર GJ-03-NB-8114 નંબરની એક અર્ટીગા કાર જોવા મળી હતી. આ કારના આગળના કાચમાં લાલ તથા બ્લુ જેવા રંગના બોર્ડમાં અંગ્રેજી ભાષામાં ટાઇપ કરેલું POLICE લખેલું બોર્ડ લગાવેલું હતું.
પોલીસે વાહનચાલકને અટકાવી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે કોઈ પણ પ્રકારનો પોલીસ રાજ્યસેવક તરીકેનો હોદ્દો ધરાવતો નહોતો. માત્ર ખોટી રીતે પોલીસમાં હોવાનો દેખાવ કરવા માટે તેણે પોતાની પ્રાઇવેટ કારમાં આ બોર્ડ લગાવ્યું હતું. બી ડિવિઝન પોલીસે ગોંડલના નસીરભાઈ ગુલામભાઇ ગોરી નામના વ્યક્તિને પકડી ભારતીય ન્યાય સંહિતા એક્ટ 2023ની કલમ-204 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે.પટેલની સૂચનાથી પોલીસ હેડ કોન્સ. પરેશભાઇ હુણ, નરેશભાઇ શીંગરખીયા, પો.કોન્સ. મુકેશભાઇ મકવાણા, રઘુવીભાઇ વાળા, મનીષભાઇ હુંબલ અને મુળભાઇ વાંદાએ સાથે મળીને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.