રાજકોટમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
રાજકોટ સહીત રાજયભરમા આર્થિકભીંસના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલા ભર્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે રાજકોટમા વધુ એક બનાવમા આર્થિકભીંસથી કંટાળી પ્રૌઢ રાત્રીના બાઇક લઇને ઘરેથી નિકળી ગયા હતા અને ટ્રેન આવતાની સાથે જ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો. પ્રૌઢના મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા માધાપર ચોકડી પાસે આવેલ વિનય વાટીકામા રહેતા હિતેશભાઇ ઘનશ્યામભાઇ કાનાબાર નામના 43 વર્ષના પ્રૌઢે રાત્રીના દસેક વાગ્યાના અરસામા પરાપીપળીયા પાસે ટ્રેન હેઠળ જંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા પરીવારજનો અને પોલીસ કાફલો તાત્કાલીક દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
આ અંગે પ્રાથમિક પુછપરછમા મૃતક હિતેશભાઇ કાનાબાર બે ભાઇમા મોટા હતા અને સીમેન્ટની કંપનીમા નોકરી કરી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. મૃતક હિતેશભાઇ કાનાબારને સંતાનમા બે પુત્રી છે. હિતેશભાઇ કાનાબારે આર્થિકભીંસથી કંટાળી રાત્રીના પોતાના ઘરેથી બાઇક લઇને નીકળી ગયા હતા અને પરાપીપળીયા ફાટક પાસે બાઇક ઉભુ રાખી ટ્રેન આવતાની સાથે જ ટ્રેન નીચે જંપલાવી આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.