ધોરાજીના મોટીમારડ ગામે આધેડે કૂવામાં જંપલાવી જીવન ટૂંકાવ્યું
ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે રહેતાં આધેડે કોઈ અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. મોભીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણકલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધોરાજીના મોટી મારડ ગામે રહેતાં નુરૂભાઈ રિચ્છુભાઈ માવડા નામના 50 વર્ષના આધેેડે કોઈ અગમ્ય કારણોસર મોટી મારડ ગામે કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતાં પાટણવાવ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક આધેડે છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતાં હતાં અને અગાઉ પણ ઘરેથી નીકળી ગયા બાદ બે ત્રણ દિવસ પછી ઘરે પરત ફર્યા હતાં. આપઘાતની ઘટના પૂર્વે આધેડ ઘરેથી નીકળી ગયા હતાં. જેથી પરિવારે શોધખોળ આદરી હતી તે દરમિયાન કૂવામાંથી લાશ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પાટણવાવ પોલીસે નોંધ કરી આધેડના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દૌર લંબાવ્યો છે.
