કોઠારિયા સોલવન્ટમાં રસ્તો ઓળંગતા પ્રૌઢને કારચાલકે ઉલાળતા મોત
શાપરમા રહેતા પ્રૌઢ કોઠારીયા સોલવન્ટ પાસે રોડ ક્રોસ કરીને હોટલે ચા પીવા જતા હતા ત્યારે કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપરમા ગંગા ગેટ પાસે મફતીયાપરામા રહેતા દિલીપભાઇ નટુભાઇ સોલંકી (ઉ.વ. 4પ) કોઠારીયા સોલવન્ટ પાસે રાત્રીનાં સાડા નવેક વાગ્યાનાં અરસામા રોડ ક્રોસ કરી હોટલે ચા પીવા જતા હતા ત્યારે કાર અડફેટે ચડી જતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક દ્વારા આધેડને સારવાર માટે 108 મારફતે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડયા હતા જયા તેમનુ મોત નીપજયુ હતુ.
પોલીસે મૃતક પ્રૌઢનાં ખીસ્સામાથી મળેલી ડાયરીનાં આધારે ઓળખ મેળવી ઘટના અંગે પ્રૌઢનાં પરીવારને જાણ કરી હતી. પ્રૌઢનાં મોતથી પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક પ્રૌઢ 7 ભાઇમા વચેટ અને અપરણીત હતા. રોડ ક્રોસ કરતી વખતે કારની ઠોકરે ચડી જતા સર્જાયેલા અકસ્માતમા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.