3 લાખ મોતી સાથે સંસ્કૃતિની મહેક ધરાવતા જાજરમાન પોષાકે કેનમાં રંગ જમાવ્યો
ટીના રાંકાનું સ્વપ્ન વડાપ્રધાન મોદી તેમજ દેશમાં જાહેર સેવા સાથે સંકળાયેલ લોકો માટે ડ્રેસ ડિઝાઇન કરવાનું છે
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેમ્પ વોક કરનાર ગુજરાતના પ્રથમ ફેશન ડિઝાઇનર ટીના રાંકા આત્મવિશ્વાસ અને હિંમતથી છલોછલ છે
દરિયા કિનારે ઉછળતાં મોજા વચ્ચે સાંજ ઢળતાં જ સિતારાઓ જાણે જમીન પર આવે છે.રોશનીની ચમક દમક વચ્ચે દુનિયા ભરના કલાકારો,ફિલ્મ પ્રોડ્યુસર,ફેશન ડિઝાઈનર સહિત ફિલ્મ અને ફેશન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનો મેળો જામે છે.ક્યાંક ફિલ્મના પ્રીમિયર હોય છે, તો ક્યાંક પાર્ટી ચાલી રહી હોય છે.ક્યાંક ખૂણામાં લોકો પોતાના કામને લઈને ગંભીરતાથી ચર્ચા કરતા દેખાય છે તો કોઈ રેડ કાર્પેટ પર રેમ્પ વોક કરવાની તૈયારી કરતું જોવા મળે છે. આ દૃશ્ય છે ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલનું.અહીં રેડ કાર્પેટ પર રેમ્પ વોક કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે સુરતના ફેશન ડિઝાઈનર ટીના રાંકાએ.અખબાર ટેલિવિઝન અને સોશિયલ મીડિયામાં ટીના રાંકા છવાઈ ગયેલ છે ત્યારે ઉડાન માટે તેઓએ ખાસ વાતચીત કરી કાન ફિલ્મ ફેસ્ટિવલના અનુભવો,તેમની લાઈફ જર્ની અને અનેક જાણી-અજાણી વાતો કરી હતી.
તેઓનો જન્મ રાજસ્થાનના સિરોહી ગામમાં થયો.રાજસ્થાની રૂૂઢિચુસ્ત જૈન પરિવારમાં ચાર ભાઈ-બહેન સાથે ઉછેર થયો.દસમાં અને બારમા ધોરણમાં મેરીટ હોલ્ડર હતાં. ક્લાસના બાળકોને ભણાવવા,ડાન્સ શીખવવું વગેરે દ્વારા પરિવારને આર્થિક મદદ કરતા. એક સમયે તેઓને વિજ્ઞાન વિષય લેવો હતો,ફાઇટર પાઇલોટ બનવું હતું પરંતુ એ શક્ય ન બનતા આર્ટસ લાઈન લીધી.અભ્યાસ દરમિયાન જ સુરત ખાતે સાધન સંપન્ન સંયુક્ત પરિવારમાં લગ્ન થયા પરંતુ કંઈક કરી દેખાડવાની ચાહ દિલમાં હજુ પણ સચવાયેલ હતી. દાદી સાસુ, સસરા, સાસુ, દિયર, જેઠ, પતિ બધાની જવાબદારી હતી છતાં લગ્નના એક વર્ષ બાદ ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરવાનું નક્કી કર્યું.થોડા સમય બાદ પિતાજીએ વિદાય લીધી ત્યારબાદ માતા અને ભાઈની જવાબદારી પણ તેઓએ નિભાવી.પોતાના નજીકના મિત્રોના કપડાં ડિઝાઇન કરવા,શો,એક્ઝિબિશન વગેરે કામ કરવા લાગ્યા. આ દરમિયાન દીકરો અને ત્યાર બાદ 2008માં દીકરીનો જન્મ થયો. દીકરીના જન્મ બાદ શારીરિક તકલીફ થતા બેડરેસ્ટ આવ્યો, ફિઝિયોથેરાપી કરવી પડી, વજન વધી ગયું,બેક પેન થયું અને ડોક્ટરે ઓપરેશન બાદ ક્યારેય ઉભા નહીં થઈ શકે તેમ જણાવ્યું.થોડા સમય બાદ સાસુ પણ સ્વર્ગે સિધાવ્યા.આ સમય કપરો હતો, નિરાશાનો હતો પરંતુ માતાના પ્રોત્સાહન અને પ્રેરણાથી આ સંજોગોને પણ હરાવ્યા.
2016ની સાલ જાણે પરિવર્તન લઇને આવી.આ ક્ષણોને યાદ કરતા તેઓએ જણાવ્યું કે, એક ફેશન શોમાં ભાગ લેવાની ઓફર આવી. ફેશન શો કદાચ પૈસા કમાવા માટે હતો પરંતુ મારા માટે એક સરસ પ્લેટફોર્મ સાબિત થયો.તેમાં આવેલ કોરિયોગ્રાફરે દુબઈમાં ફેશન શો કરવા માટેની ઓફર આપી.અનેક મૂંઝવણ,મથામણ બાદ આ તકનો ઉપયોગ કર્યો. રાત-દિવસની મહેનત રંગ લાવી અને શો ખૂબ જ સફળ થયો. તેનાથી આત્મવિશ્વાસ તો વધ્યો પરંતુ બિઝનેસ પણ વધ્યો, સારી સારી ઓફરનો વરસાદ વરસ્યો.અત્યાર સુધીમાં 45થી વધુ શો કર્યા છે જેમાં શશીરંજન, અનુરંજન, શંકર મહાદેવન, સુનિલ ગ્રોવર, રવિ બહેલ, સહિત અનેક સેલિબ્રિટી એ વોક કર્યું છે ઇન્ડિયન એમ્બેસીમાં પણ શો થયો છે.આ બધી સફળતા જોઈને એક મિત્રએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક માટે સૂચવ્યું. ત્યાં જવાનો નિર્ણય ખૂબ વિચાર માંગી લે તેમ હતો કારણ કે અહીં મારે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. જો જરા પણ ચૂક થાય તો પરિણામ ઊલટું પણ આવી શકે આમ છતાં આ મોકો ચૂકવા જેવો નહોતો. ઘણી મથામણ બાદ નક્કી કર્યું કે મારા દેશને હું રિપ્રેઝન્ટ કરું એનાથી વધુ રૂડું શું હોય? અને આ નિર્ણય કારકિર્દીનો શ્રેષ્ઠ નિર્ણય બન્યો.
17 વર્ષની દીકરી અને 20 વર્ષના દીકરાની માતા એવા ટીના રાંકાએ લગ્નના પ્રારંભના દિવસોમાં પરંપરાગત પોશાક સાથે વડીલોની મર્યાદા રાખવા ઘૂંઘટ પણ કાઢ્યો છે આમ ઘરના આંગણેથી રેડ કાર્પેટ સુધી પહોંચવું સહેલું નહોતું. પરિવારજનોનો વિશ્વાસ મેળવવો પડે છે. વિપરિત પરિસ્થિતિને તેઓ સંઘર્ષનું નામ આપતા નથી તેઓ જણાવે છે કે આ એક પ્રક્રિયા છે જેના દ્વારા તમે ઘડાવ છો. તમારા વ્યક્તિત્વમાં તમારો ઉછેર પણ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. તમે જેવા છો તેવા જ રહો. તમારા કામને ખૂબ ચીવટપૂર્વક કરો. તમે જેટલું કામ કરશો તેટલો આત્મવિશ્વાસ વધશે અને એટલે જ જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની વાત આવે છે ત્યારે તેઓ જણાવે છે કે હોલિવૂડ હોય કે બોલિવૂડ, જ્યાં મારી મહેનતના પૈસા મળે, મારા કામનું સન્માન થાય, મારું માન જળવાય તેવા લોકો સાથે હું કામ કરીશ.પોતાની સફળતાનું શ્રેય તેઓ માતાને, પતિને અને પરિવારજનોને આપે છે.ટીનાને હજુ વડાપ્રધાન મોદી તેમજ દેશમાં જાહેર સેવા સાથે સંકળાયેલ લોકો માટે ડ્રેસ ડિઝાઇન કરવા છે.ટીના રાંકાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
કાન ફિલ્મ ફેસ્ટિવલ એટલે ફક્ત રેડ કાર્પેટ નહીં
અનેક એવોર્ડ મેળવનાર ટીના રાંકા જણાવે છે કે કાન ફિલ્મ ફેસ્ટિવલ એટલે ફક્ત રેડ કાર્પેટ નથી. કાન ફિલ્મ ફેસ્ટિવલ 15 દિવસનો હોય છે. રેડ કાર્પેટ એરિયાની આસપાસ જુદા જુદા દેશના પેવેલિયન હોય છે. એક તરફ હોટેલ,રેસ્ટોરાં, કેફે હોય છે તો બીજી તરફ મૂવી બતાવવા માટેના થિયેટર હોય છે. એકબીજા કલાકાર સાથે વાતો શેર કરી શકાય તે માટે નાના નાના કોન્ફરન્સ રૂમ હોય છે. અહીં પાર્ટીપ્લેસ પણ હોય છે જ્યાં રાત્રે પાર્ટી થતી હોય છે તેમ જ ફિલ્મના પ્રીમિયર થતા હોય છે. અહીં ફિલ્મ અને ફેશન બિઝનેસમાં કામ કરતા લોકો એકબીજાને મળે છે, કલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરે છે, કામ માટે નવા સંપર્ક મળે છે. હોમ બાઉન્ડ ફિલ્મ માટે કરણ જોહરની 50 લોકોની પાર્ટીમાં મને પણ આમંત્રણ મળ્યું હતું.જેમાં મનીષ મલ્હોત્રા, ગૌરવ ગુપ્તા,ઈશા ખટ્ટર, જહાન્વી કપૂર, ખુશી કપૂર બધાને મળવાનો મોકો મળ્યો.
રેમ્પ વોક માટે બનાવ્યો હતો આ ખાસ પોષાક
પોતાના આ ખાસ આઉટફીટ માટે ટીનાએ જણાવ્યું હતું કે, રેડ કાર્પેટ પર રેમ્પ વોક કરતી વખતે પહેરેલ ડ્રેસનું મારા માટે ખાસ મહત્ત્વ છે કારણ કે આ આઉટફીટ દ્વારા રાજસ્થાન અને ગુજરાતના કલ્ચરને રજૂ કરવાનો મોકો મળ્યો છે. કિંમતની દૃષ્ટિએ જોઈએ તો લગભગ 15 લાખ રૂૂપિયાની કિંમતના આ ડ્રેસ માં 3 લાખથી વધુ મોતી, બે લાખથી વધુ સલી, કલરફુલ બીડ્સનું હેન્ડ વર્ક ઉપરાંત બનારસી સિલ્ક બ્લાઉઝ સાથે રાધા રાની ખૂબ જ સુંદર લાગતા હતા.આ સાથે ગમશૂઝ,જવેલરી વગેરે ઝીણામાં ઝીણી વિગતોનું ધ્યાન રાખ્યું હતું. જ્યાં હજારો આંખો તમારા પર હોય ત્યારે તમારે પરફેક્ટ રહેવું ખૂબ જરૂૂરી બની જાય છે.આ ડ્રેસ માટે મારી ટીમે દિવસ રાત મહેનત કરી હતી જે ભૂલી ન શકાય.આ સાથે ખાદી સહિત બીજા 5 આઉટફીટ પણ સાથે લઈ ગઈ હતી જે લોકોને ખૂબ પસંદ પડ્યા.
રેડ કાર્પેટ પર રેમ્પ વોકમાં હતો કાન્હાજીનો સાથ
રેડ કાર્પેટ પર પહેલું પગલું મૂક્યું ત્યારે પેટમાં પતંગિયા ઉડતા હોય તેવો અનુભવ થયો.દેશનું પ્રતિનિધિત્વ શ્રેષ્ઠ રીતે કરવાના વિચાર સાથે મનમાં સફળતા પહેલાનો ડર હતો.મને કૃષ્ણ ભગવાન પર ખૂબ શ્રદ્ધા છે. કાન્હાજીને યાદ કરીને બધું એમને સોંપી દીધું.મારો ટર્ન પીક અવર્સમાં હતો એટલે ક્રાઉડ પણ ખૂબ હતું. કોઈ ફોટોગ્રાફ લેતું, કોઈ વીડિયો લેતું, કોઈ હાથ હલાવી અભિવાદન કરતું તો કોઈ ‘ઓ કવીન’ કહીને બોલાવતું. એક સ્વપ્ન જેવું લાગતું હતું.લોકોના પોઝિટિવ રિસ્પોન્સને કારણે મારામાં પણ આત્મવિશ્વાસ વધ્યો અને આ અમૂલ્ય ક્ષણને જીવનની શ્રેષ્ઠ અને યાદગાર બનાવવાનો સંકલ્પ કર્યો.આ બધી જ વખતે મારું ધ્યાન મારા દેશની સંસ્કૃતિ અને સંસ્કાર દેખાડવામાં હતું તેથી નમસ્કારની મુદ્રા સાથે મેં લોકોનું અભિવાદન કર્યું.ખાસ્સો 2 મિનિટ જેવો સમય મને મળ્યો જેણે મારી જિંદગી બદલાવી નાખી.
Wrriten By: Bhavna Doshi