ઘંટેશ્ર્વર પાસે જીવિત બાળકીને મૃત જાહેર કરી શહેરભરની પોલીસને ધંધે લગાડી
શહેરના જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે એક બાળકીની લાશ પડી હોવાની જાણ કોઈએ પોલીસ ક્ધટ્રોલરૂમને કરતા શહેરભરની પોલીસ ધંધે લાગી હતી. બાળકી અંગે તપાસ કરતા તે જીવીત મળી આવી હતી અને નજીકમાં રહેતા મજુર પરિવારની બાળકી જ હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસને પણ હાશકારો થયો હતો.
શહેર પોલીસ કંટ્રોલરૂમમાં આજે સવારે કોઈએ ફોન કરી ઘંટેશ્ર્વર નજીક ગ્રીનલીફ પાસે એક બાળકીની લાશ પડી હોવાની જાણ કરતા આ અંગે પોલીસ ક્ધટ્રોલે યુનિવર્સિટી પોલીસ અને ક્રાઈમ બ્રાંચને જાણ કરી હતી.
તેમજ આ ઘટનાની ગંભીરતાને લઈને શહેરભરની પોલીસના ગ્રુપમાં આ અંગેના મેસેજ વાયરલ થયા હતાં. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે તપાસ કરતા બાળકી જીવીત હોવાનું જાણવા મળ્યું હતું. નજીકમાં બાંધકામની સાઈટ ચાલતી હોય ત્યાં મજુરી કામ કરતા આ પરપ્રાંતિય પરિવારની બાળકી નજીકમાં સુતી હોય અને ત્યાંથી પસાર થયેલા રાહદારીએ આ બાળકી જે સ્થળે સુતી હતી તે સ્થળે લાશ પડી હોવાની જાણ પોલીસને કરી હતી. પોલીસે બાળકીના પરિવારજનોનો સંપર્ક કરી તેને બાળકી સોંપી હતી. પોલીસ ક્ધટ્રોલરૂમને થયેલા ફોનને પગલે શહેરભરની પોલીસ થોડી વાર માટે ધંધે લાગી ગઈ હતી. અંતે સત્યહકીકત જાણવા મળતા પોલીસ અધિકારીઓ અને સ્ટાફમાં હાશકારો થયો હતો.