ઉનાના પીછવી ગામે અઢી વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાતા હાહાકાર
બગસરા તાલુકાના હામાપુર ગામની સીમમાં ગઇકાલે પાંચ વર્ષના બાળકને સિંહણે ફાડીખાધા બાદ આજે ગીરગઢડા તાલુકાના પીછવી ગામના રહેણાંક વિસ્તારમાંથી અઢી વર્ષની એક બાળકીને તેની માતાની નજર સામે સિંહણે એક કિલોમીટર દૂર ઉપાડી જઇ ફાડીખાતા હાહાકાર મચી જવા પામેલ છે. ફોરેસ્ટ વિભાગે તાબડતોબ પગલા લઇ માનવભક્ષી સિંહણને પાંજરે પુરી દેતા લોકોએ રાહતનો દમ લીધો છે.
બનાવ આજે સવારે 10થી 10:30 વાગ્યાની આસપાસ બન્યો હતો. ગામના હરસુખભાઇ મકવાણાની અઢી વર્ષની પુત્રી આરાધ્યા મકાન પાસે રમતી હતી અને માતા ભારતીબેન વાસણ સાફ કરતા હતા. જંગલની નજીક વાડી આવેલી હોવાથી અચાનક જંગલ વિસ્તારમાંથી એક સિંહણ આવી પહોંચી હતી અને બાળકી આરાધ્યાને પકડીને જંગલ તરફ ભાગી ગઈ હતી.
માતા ભારતીબેને રાડા-રાડ કરતા પરિવારના અન્ય લોકો પણ સિંહણની પાછળ દોડ્યા હતા. જોકે, સિંહણ આરાધ્યાને વાડીથી આશરે એક કિલોમીટર દૂર જંગલમાં લઈ ગઈ હતી અને તેને ફાડી ખાધી હતી. પીછો કરનારા લોકો નજીક પહોંચતા સિંહણ બાળકીના મૃતદેહને મૂકીને જંગલમાં ભાગી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જામવાળા રેન્જના આર.એફ.ઓ. સહિત વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર અને હોસ્પિટલે પહોંચી હતી. વન વિભાગની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ આ માનવભક્ષી સિંહણનું લોકેશન મેળવીને તેને પાંજરે પૂરી દીધી હતી.