માળિયા હાટીનાના અમરાપર ગામે મહિલા પર દીપડાનો હુમલો
જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં દિવસેને દિવસે હિંસક પ્રાણીઓના આતંક વધી રહ્યા છે ત્યારે ગિરનાર જંગલ તેમજ ગીરકાંઠાના વિસ્તારોમાં વારંવાર સિંહ દીપડાના હુમલાના બનાવો જોવા મળ્યા છે. ત્યારે આજે વહેલી સવારે માળીયાહાટીના તાલુકાના અમરાપર ગામે પાદરમાં રહેતા મજુર પરિવારના એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. ત્યારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સૌપ્રથમ માળિયા હાટીના હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
દીપડાના આ હુમલા થી અમરાપર સહિતના આસપાસના ગામોમાં લોકોમાં ભય ફેલાયો હતો. અમરાપુર ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યાની જાણ થતા વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું જ્યાં વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા હતા.ઈજાગ્રસ્ત મહિલા અમરી બેને જણાવ્યું હતું કે, અમારો પરિવાર ગામના પાદરમાં ઝૂંપડામાં સૂતો હતો ત્યારે વહેલી સવારે 4:00 વાગે દીપડાએ મારા પર હુમલો કર્યો હતો. ત્યારે મેં બૂમાબૂમ કરતા આસપાસના લોકોને એકઠા થયા હતા. દીપડા ના હુમલા થી મને હાથમાં પગમાં ઈજાઓ થઈ છે ત્યારે વન વિભાગ દ્વારા વહેલી તકે આ દીપડો પકડવામાં આવે તેવી માંગ છે.
આ મામલે માળીયાહાટીના વન વિભાગના અધિકારી અમિત ચૌધરી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આજે વહેલી સવારે માળીયાહાટીના અમરાપુર ગામે ઝૂંપડામાં રહેતા એક પરિવારના મહિલા પર દિપડાએ હુમલો કર્યો હતો. આ દીપડાના હુમલાની ઘટનાની જાણ થતા વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું.અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા દિપડો પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા છે. તેમજ સરકારના નીતિ નિયમો મુજબ જે સહાય મળવા પાત્ર હશે તે કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે.