ભચાઉમાં જૈન પરિવારના મકાનમાં ધોળે દિવસે ચોરી કર્યા બાદ તસ્કરોએ આગ લગાવી
ત્રણ કલાકની જહેમત બાદ આગ બુઝી: ઘરવખરી ખાખ, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
ભચાઉમાં તસ્કરોનો આતંક જાણે ચરમસીમા પર હોય તેવું આજે બનેલી ઘટના પરથી પ્રતિત થાય છે. ધોળા દિવસે તસ્કોરએ જૈન વૃદ્ધના ઘરે હાથ ફેરો કર્યા બાદ આગ ચાંપી દીધી હતી. આગના કારણે ઘરની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.
ભચાઉના જાડેજા પેટ્રોલિયમની બાજુમાં ચામુંડા બેકરી સામે આવેલા બંધ મકાનમાં શુક્રવારના બપોરે 2 વાગ્યાની આસપાસ ચોરીની સાથે આગની ઘટના બની હતી. ઘરમાલિક કેશવજીભાઈ કારીયા મુંબઈ રહેતા તેમના સંબંધીના ઘેર ગયા હતા તે દરમિયાન બપોરના સમયે લોકોને ઘરની અંદરથી આગના ધૂમાળા દેખાતા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હોવાના દ્રશ્યો નજરે પડ્યા હતા. આ ઘટના પરથી તસ્કરો દ્વારા ચોરીના બનાવને અંજામ આપીને ઘરમાં આગ ચાપી હોવાનું નજીકમાં રહેતા લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આગના કારણે ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર 2 થી 3 કલાક ની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ કામગીરીમાં પ્રવીણ દાફડા ,કુલદીપ ભાઈ ,મયુર રામાનંદી, જોડાયા હતા.
નોંધનીય છે કે દિવસ દરમિયાન પણ તસ્કરો બેફામ બન્યા છે. જાણે કાયદાનો કોઇ જ ભય ના હોય તેમ દિવસે પણ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ચોરીની આ ઘટનાથી ભચાઉમાં શહેરીજનોમાં ચિંતા વ્યાપી છે.