મોરબીમાં કરિયાણાના વેપારીએ બીમારીથી કંટાળી પોતાની દુકાનમાં ર્ક્યુ અગ્નિસ્નાન
ગોંડલના વાવડીમાં વેલ્ડિંગ કરતી વખતે ટ્રકની ટાંકી ફાટતા યુવાન દાઝ્યો
મોરબીમાં કરિયાણાના વેપારીએ બીમારીથી કંટાળી પોતાની દુકાનમાં જ જાતે પેટ્રોલ છાંટી જાત જલાવી લીધી હતી. યુવકને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં જેતપર રોડ ઉપર આવેલી મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા લાલજીભાઈ મનસુખભાઈ પરમાર નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે આવેલી પોતાની કરિયાણાની દુકાને હતો. ત્યારે પોતાની જાતે બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાની જાતે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દીધી હતી.
ગંભીર રીતે દાજી ગયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં લાલજીભાઈ પરમાર એકની એક બહેનનો એકનો એક ભાઈ છે અને અનાજ કરિયાણાની દુકાન ચલાવી પરિવારને આર્થિક મદદ કરે છે લાલજીભાઈ પરમારે માનસિક બીમારીથી કંટાળી પોતાની દુકાનમાં જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલ તાલુકાના ચોરડી ગામે રહેતા અનિલ જેન્તીભાઈ સરવૈયા નામનો 35 વર્ષનો યુવાન વાવડી ગામે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ટ્રકની ટાંકીને વેલ્ડીંગ કરતો હતો ત્યારે અકસ્માતે ટાંકી ફાડતા આગ ભભૂકી ઉઠી હતી. જે આગમાં અનિલ સરવૈયા ગંભીર રીતે દાઝી ગયો હતો.
યુવકને તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.