ભરતીના વાંકે વન વિભાગમાં 300 લાખની ગ્રાન્ટ પડી રહી
સરકાર દ્વારા બજેટમાં દરેક વિભાગને માતબર રકમની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ યોગ્ય આયોજનના અભાવે આ રકમ વણ વપરાયેલી પડી રહે છે. તાજેતરમાં જ વિધાનસભામાં રજુ થયેલા જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, વન વિભાગમાં છેલ્લા બે વર્ષ થઈને કુલ 1169.75 કરોડ રૂપિયામાંથી આશરે 25 ટકા જેટલી રકમ વણ વપરાયેલી પડી રહી છે અને આ માટે સ્ટાફની ભરતી, કોરોના, ઓછા મોંઘવારી ભથ્થાને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.
હાલમાં ચાલી રહેલા 14મી વિધાનસભાના ચોથા સત્રમાં સોમવારે વાસદાના ધારાસભ્ય અનંત પટેલના પ્રશ્ર્નના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા આ જવાબ રજુ કરવામાં આવ્યો હતો. આ જવાબમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2021-22 માટે બજેટમાં કુલ રૂા.532.05 લાખ અને વર્ષ 2022-23માં રૂા.637.70 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ સામે પુરેપુરી રકમની ફાળવણી પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વર્ષ 2021-22માં ફકત 147.83 લાખ રૂપિયા જ વાપરી શકાયા હતાં અને વર્ષ 2023માં રૂા.485.06 લાખ વાપરી શકાયા હતાં.
વર્ષ 2021-22માં કુલ રૂા.147.83 લાખની ગ્રાંટ વણ વપરાયેલ રહી હતી જે કુલ ગ્રાંટના 27.78 ટકા છે.આ ગ્રાંટ ન વપરાવવાના કારણ રજુ કરાયા જેમાં નાયબ સેકશન અધિકારી અને કચેરી મદદનીશની ભરતીની પ્રક્રિયા પૂર્ણ ન થયા હોવાથી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ફાળવણી ન કરાઈ અને મોંઘવારી ભથ્થુ 38 ટકાના દરે ગણી કાઢવામાં આવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થુ ન જાહેરાત કરાતા ગ્રાંટ પાછી આપી દેવામાં આવી હતી.
વર્ષ 2022-23માં રૂા.152.84 લાખની ગ્રાંટ વણ વપરાયેલ પડી રહી હતી. જેમાં અંગત મદદનીશ, નાયબ સેકશન ઓફિસર અને કચેરી મદદનીશની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોવાથી સામાન્ય વહીવટ વિભાગે ગ્રાંટ રિલીઝ કરી ન હતી અને કોરોનાના બે વર્ષ પછી કોવીડ-19ની મહામારીને લીધે કેટલાક કર્મચારી અને અધિકારી દ્વારા રજા મુસાફરીનો લાભ ન લેવાયો હોવાનું જણાવાયું હતું.આમ વર્ષ 2021-22માં 27.78 ટકા અને વર્ષ 2022-23માં 31/12 સુધીમાં 23.93 ટકા વણ વપરાયેલ પડી રહી હતી.