મહાશિવરાત્રી નિમિત્તે છોટી કાશીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી
શહેરના મુખ્યમાર્ગો પર ભક્તિનું ઘોડા પૂર, ઠેર-ઠેર ભાવિકો દ્વારા સ્વાગત કરાયુ: વિવિધ કાર્યક્રમો યોજાયા
જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના નેજા હેઠળ મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે 44મી ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઇ હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી. બપોરે 4.30 વાગ્યે પુરાણ પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે પૂર્ણ થઇ હતી. શિવ શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો, સ્વૈચ્છીક સંસ્થા, સંગઠનોના હોદે્દારો દ્વારા 28 થી પણ વધુ સુંદર આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા, અને હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું.
અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની રજત મઢિત પાલખીના છોટી કાશીના અનેક શિવભકતોએ રંગબેરંગી રોશનીથી ઝળહળીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત રજત મઢિત પાલખી નિહાળવા અને ભગવાન શિવજીના આસુતોષ સ્વરૂૂપના દર્શન કરવા માટે ઠેર ઠેર ભીડ જમાવી હતી અને મોડે સુધી દર્શન માટે રાહ જોઇને બેઠેલા ભકતજનોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.શોભાયાત્રાના માર્ગ પર 83 થી વધુ સ્થાનો પર ભગવાન શિવજીની પાલખીનું પુજન કરાયું હતું. સાથો સાથ પ્રસાદનું પણ વિતરણ કરાયું હતું.
સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાઇ હતી. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાયા હતા. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બની હતી. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાયા હતા. અને શોભાયાત્રાના રૂૂટ પર નગર ભ્રમણ કર્યું હતું, જેને નિહાળવા માટે બપોરે સાડાત્રણ વાગ્યાથી છેક રાત્રી સુધી શોભાયાત્રાના તમામ રૂૂટ પર ભાવિકો જોડાયા હતા.