ખોડલધામ વેસ્ટ ઝોન દ્વારા નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન
ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં વેસ્ટ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના વેસ્ટ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. સાઉન્ડમાં સૌથી આધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઈટીંગ, સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. તા. 03 ઓક્ટોબર થી 12 ઓક્ટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.
રાજકોટમાં ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- વેસ્ટ ઝોનની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિક્યુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ મેદાન અને પાર્કિંગ ઉપરાંત સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સરકારી ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરીને આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કરીને સમાજથી વંચિત એવા અનાથ આશ્રમના બાળકો, તેમજ દિવ્યાંગ બાળકો અને ખાસ કરીને આશ્રમી જીવન જીવતી દીકરીઓને આ નવરાત્રિ મહોત્સવમાં આમંત્રિત કરીને ગરબે રમાડવામાં આવશે. આ સમગ્ર માહોલમાં સર્વ સમાજની મહિલાઓ સહિત 8500થી વધુ ખેલૈયાઓ એકીસાથે માતાજીના ગુણગાન ગાશે.
શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- વેસ્ટ ઝોન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન અમૃત વાટીકા, સર્વોદય સ્કૂલની સામે, 80 ફૂટ રોડ, રામધણ પાછળ, મવડી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સીંગર તૃપ્તિ ગઢવી, મિલન મહેર, વિસુ ગોહેલ અને એન્કર તરીકે આરજે જય જોડાશે અને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. શ્રી ખોડલધામ- વેસ્ટ ઝોન રાજકોટ આયોજિત નવરાત્રિ મહોત્સવની વધુ વિગત માટે મો. નં- 98797 99333 પર સંપર્ક સાધવા જણાવ્યું છે.
શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટ ઝોન રાજકોટ 2024ના આ ભવ્યાતી ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વ સંજયભાઈ સાકરિયા, હસમુખભાઈ લુણાગરિયા, ધીરજભાઈ મુંગરા, હરેશભાઈ સાકરિયા, રાજેશભાઈ કોયાણી, જગદીશભાઈ મેઘાણી તથા વિજયભાઈ મેઘાણી વગેરે મિત્રો તેમની 300થી વધુ સ્વયંસેવક ભાઈઓ બહેનોની ટીમ સાથે છેલ્લા 45 દિવસથી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.