ખંભાળિયામાં ગાયો માટે નિયમિત રીતે લાડવા બનાવતા લાડવા ગ્રુપ દ્વારા ગુરુવારે શ્રીનાથજીની ઝાંખી
01:41 PM Dec 03, 2024 IST | Bhumika
Advertisement
ખંભાળિયા પંથકમાં છેલ્લા આશરે દોઢ દાયકાથી ગાયો માટે નિયમિત રીતે મોટા પ્રમાણમાં પૌષ્ટિક લાડવા બનાવી અને વિતરણ કરતા યુવા કાર્યકરોના લાડવા ગ્રુપ દ્વારા થતી સેવા પ્રવૃત્તિ કાબિલે દાદ બની રહી છે. બિન રાજકીય અને સમર્પિત યુવાનો દ્વારા દર શનિવારે આશરે 3000 જેટલા ઘી-ગોળ મિશ્રિત લાડુ ગાયોને ખવડાવવામાં આવે છે. ત્યારે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે લાડવા ગ્રુપ દ્વારા આગામી ગુરૂવાર તા. 5 ડિસેમ્બરના રોજ રાત્રે 9:30 વાગ્યે અત્રે આનંદ કોલોનીમાં આવેલી નંદ સોસાયટી ખાતે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયત્રી ગરબા મંડળના ઉપક્રમે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર અશોકભાઈ ભાયાણી દ્વારા સત્સંગ, ધૂનની રમઝટ બોલાવવામાં આવશે. આ પ્રસંગે રિલાયન્સના ધનરાજભાઈ પરિમલભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત રહેશે. સાથે અતિથિ વિશેષ તરીકે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, અહીંના લોહાણા મહાજનના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણી પણ સાથે જોડાશે. આ આયોજન માટે સુનિલભાઈ દતાણી, રાકેશભાઈ પંચમતીયા, ભાવિનભાઈ અને કપિલભાઈ દતાણી સહિતના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ ધર્મમય કાર્યક્રમમાં સહભાગી થવા ધર્મપ્રેમી, ગૌપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
Advertisement