તરૂણ વયે પ્રેમમાં પડનાર યુવતીએ પુખ્ત થતાં આરોપી સાથે લગ્ન કર્યા, પોકસોની ફરિયાદ રદ
બાળકને જન્મ પણ આપ્યો, પોકસો અંતર્ગત ચાર્જશીટ પણ રદ કરાઇ
તરૂૂણ વયના પ્રેમ પછી લગ્ન અને ત્યાર બાદ ઊભી થયેલા કાનૂની કેસનો મામલો હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. જેમાં યુવક અને તેના મિત્રો વિરૂૂદ્ધ પોક્સો સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જેને રદ કરવા અરજદારોએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. જે રિટમાં યુવતીએ એવું સોગંદનામું કર્યું હતું કે તેને તેની મરજીથી માતા-પિતાનું ઘર છોડ્યું હતું. કેમ કે તેઓ તેના લગ્ન અન્ય યુવક સાથે કરાવવા માંગતા હતાં. પરંતુ યુવતી આ કેસના અરજદાર સાથે પ્રેમમાં હતી અને 18 વર્ષની થતાં તેણીએ અરજદાર યુવક સાથે હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે બંને પતિ-પત્ની તરીકે સાથે રહે છે.
યુવક અને યુવતીને આ સંબંધથી એક બાળક પણ છે. અરજદાર યુવકે કોઇ પણ બળજબરી, અપહરણ કે ગુનો કર્યો નથી. તેથી આ મામલે થયેલી એફઆઇઆર રદ થાય તો વાંધો નથી. હાઇકોર્ટે ઉક્ત સોગંદનામાને રેકર્ડ પર લેતાં અને કેસની હકીકતોને જોતાં અરજદાર યુવક સામેની ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો હતો.
હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગજેએ ઉક્ત આદેશ કર્યો હતો અને એમાં નોંધ્યું હતું કે, આ કેસની પીડિતાએ સોગંદનામું કરીને જણાવ્યું છે કે તેઓએ એક મેરેજ હોલમાં માર્ચ 2019ના રોજ લગ્ન કર્યા હતા અને ત્યાર બાદ જમાલપુર વોર્ડ ખાતે આ લગ્નની નોંધણી થઇ હતી અને લગ્નનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. રીતિ રિવાજ મુજબ થયેલા લગ્નના ફોટોગ્રાફ્સ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, ઉક્ત સંજોગો અને હકીકતોને ધ્યાનમાં લેતાં જો આ કેસની એફઆઇઆર ચાલુ રાખવામાં આવે તો એ અર્થહીન ગણાશે. કેમ કે પીડિતાએ આરોપી અરજદાર સાથે લગ્ન કરી લીધા છે અને બંને હવે કાયદેસરના સંબંધમાં છે અને પતિ-પત્ની તરીકે જીવન ગુજારે છે. તેમણે લગ્ન જીવનથી એક બાળક પણ છે. તેથી અરજી ગ્રાહ્ય રાખવામાં આવે છે અને આ કેસમાં અરજદાર પુરતી ચાર્જશિટ સહિતની કાર્યવાહીને રદ કરવાનો આદેશ કરવામાં આવે છે.