પતંગ લેવા થાંભલા ઉપર ચડેલી બાળકી વીજશોક લાગતા નીચે પટકાઇ: બંને પગ ભાંગી ગયા
જસદણના દહીંસરા ગામની ઘટના: ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ
ઉતરાયણના તેહવારના હવે એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. આ તહેવારો ઉપર બાળકો પતંગ લેવા દોડાદોડી કરતા અધટીત ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે બાળકોના વાલીઓને ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. જસદણના દહીંસરા ગામે થાંભલા ઉપર અટવાયેલી પતંગ લેવા ચડેલી 9 વર્ષની બાળકી વીજશોક લાગતા થાંભલા ઉપરથી નીચે પટકાઇ હતી. જેમાં તેના બંને પગ ભાંગી જતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના દહીંસરા ગામે રહેતા કેશુભાઇ સારેલીયાની 9 વર્ષની પુત્રી દીયા ગઇકાલે બપોરે 12 વાગ્યાના અરસામાં ઘર નજીક થાંભલા ઉપર પતંગ ફસાયેલી હોય જે પતંગ ઉતારવા માટે થાંભલા ઉપર ચડી હતી ત્યારે દીયાને વીજશોક લાગતા તેણી થાંભલા ઉપરથી નીચે પટકાઇ હતી. જેમાં તેના બંને પગ ભાંગી જતા ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભાડલા પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત દીયા બે ભાઇ બે બહેનમાં નાની અને તેના પિતા મજૂરી કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. ઉતરાયપણનો તહેવાર નજીક આવી રહ્યો છે.
ત્યારે વાલીઓએ બાળકોને એકલા ધાબા ઉપર ન મુકવા જોઇએ કે, થાંભલા ઉપર ફસાયેલી પતંગ લેવા માટે ન જવા અગાઉથી સમજાવુ જોઇએ જેથી આવી કોઇ અઘટીત ઘટના બને નહીં તેનુ ધ્યાન રાખવુ જોઇએ.