કોઠારિયા સોલવન્ટમાં ભાઈના ઘરે રોકાવા આવેલી યુવતીનો આપઘાત
જુનાગઢના માંગરોળના શેરીયાજ ગામની 18 વર્ષની યુવતિ રાજકોટ કોઠારીયા સોલવન્ટમાં ભાઇના ઘરે રોકાવા આવી હોઇ અહિ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
વધુ વિગતો મુજબ કોઠારીયા સોલવન્ટ રવેચીનગર-2માં આવેલા કારખાનાના ત્રીજા માળે અંજલીબેન અશોકભાઇ ભરડા (ઉ.વ.18) નામની યુવતિએ રાતે દૂપટ્ટો છતના હુકમાં બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. તેના ભાઇએ દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં દરવાજો તોડીને જોતાં તેણી લટકતી મળતાં કલ્પાંત સર્જાયો હતો. 108ને જાણ કરવામાં ઇએમટી ડો.કલ્પેશભાઇ તથા પાઇલોટ પ્રદિપ રાણા પહોંચ્યા હતાં. ઇએમટી તબિબે તેણીને મૃત જાહેર કરી હતી. તાલુકા પોલીસને જાણ થતાં પીએસઆઇ બી. વી. સરવૈયા, રાઇટર ઋત્વીકભાઇ, કલ્પેશભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર અંજલી માંગરોળના શેરીયાજ ગામેથી રાજકોટ કોઠારીયામાં રહેતાં પોતાના ભાઇના ઘરે રોકાવા આવી હતી. તેણે કયા કારણે પગલુ ભર્યું તે બહાર ન આવતાં તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે.
