હનુમાન મઢી પાસે મોટી બહેન સાથે વાસણ ધોવા મુદ્દે રકઝક થતાં યુવતીએ ફિનાઇલ ગટગટાવ્યું
શહેરમાં હનુમાન મઢી ઝુપડપટ્ટી પાસે રહેતી યુવતીએ બહેન સાથે વાસણ ધોવા મુદ્દે ઝઘડો થતા ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં હનુમાન મઢી વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીમાં રહેતી આરતીબેન લખુભાઈ વાજેલીયા નામની 18 વર્ષની યુવતી બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી.
ત્યારે ફીનાઇલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરતીબેન વાજેલીયાના માતા પિતા હયાત નથી અને આરતીબેન વજેલી બે ભાઈ ત્રણ બહેનમાં નાની છે.
આરતીબેન વાજેલીયા શાકભાજી વેચી પોતાનું ગુજરાત ચલાવે છે. આરતીબેન વાજેલીયાને વાસણ ધોવા મુદે તેની બહેન શોભનાબેન વાજેલીયા સાથે બોલાચાલી થતા ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે આવેલી માટેલ સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ કરસનભાઈ ચાવડા નામના 58 વર્ષના આધેડ નાણાવટી ચોક પાસે હતા ત્યારે બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી.
આધેડની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.