મોરબી-માળિયા રોડ પરના અકસ્માતમાં ઘવાયેલી સાયલા પંથકની બાળકીનું સારવારમાં મોત
માતા-પિતા-બે પુત્રી-1 પુત્રને અકસ્માતમાં થઇ’તી સામાન્ય ઇજા
મોરબી- માળીયા રોડ પર ગત તા.30ના રોજ અજાણ્યા ટેન્કરની હડફેટે ચડેલી બોલેરો ગાડીમાં સવાર સાયલા પંથકના કોળી પરિવારના 5 સભ્યોને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેમાં આજે 9 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયાનું સિવિલ હોસ્પીટલ પોલીસ ચોકીમાં નોંધાયું હતું.
બનાવની મળતી વિગતો મુજબ સાયલા તાલુકાના ઘાટાડુંગરી ગામના કોળી રોહીતભાઇ ઉધરેજા પોતાના પરિવાર સાથે બોલેરોમાં કચ્છમાં આશાપુરા માતાજીના દર્શને ગત તા.30ના રોજ નિકળ્યા હતા.
ત્યારે સાડાબાર વાગ્યાની આસપાસ માળીયા- મોરબી રોડ પરના બહાદુરગઢના પાટીયા પાસે અજાણ્યા ટેન્કર ચાલકે બોલેરોને હડફેટે લેતા તેમાં બેઠેલા રોહીતભાઇ ઉધરેજા, તેમના પત્ની રતનબેન ત્રણ પુત્રી હેતલ અને અસ્મિતા તથા જાગૃતિ અને પુત્ર ગણેશને નાનીમોટી ઇજાઓ થતાં તમામને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયાં આજે 4થા ધોરણમાં ભણતી 9 વર્ષની દિકરી જાગૃતિનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસનાં જણાવ્યા મુજબ મૃતક જાગૃતિ એક ભાઇ અને 6 બહેનોમાં નાની હતી. બનાવના જરૂરી કાગળો કરી હોસ્પીટલ પોલીસ ચોકી દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે.