હળવદના નવા ઇશાનપુર ગામે કેનાલમાં પડી જતા યુવતીનું મોત
હળવદ તાલુકાના જુના અને નવા ઇશનપુર ગામ વચ્ચે પસાર થતી કેનાલમાં હાથપગ ધોવા જતા લપસીને કેનાલમાં પડી ગયેલ મૂળ મયાપુર ગામની યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.
હળવદ તાલુકાના નવા ઇશનપુર ગામે રહેતી મૂળ મયાપુર ગામની વતની વિધિબેન અશિષભાઈ જાદવ ઉ.વ.18 નામની યુવતી ગઈકાલે બપોરના સમયે વાડીએથી ઘેર જતી હતી ત્યારે જુના અને નવા ઇશનપુર ગામની વચ્ચે આવેલ કેનાલમાં હાથપગ ધોવા તેમજ પાણી પીવા જતા પગ લપસી જતા કેનાલના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂૂ કરી છે.
મોરબીના ગાળા ગામે પરિણીતાનો આપઘાત
મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલ રિયોગ્રેનાઈટો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના વતની રીંકુબેન કમલભાઈ મોરે ઉ.વ.19 નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રીંકુબેનના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવતા ડીવાયએસપી દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે.