સાયલાના ધાંધલપરમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીનો આપઘાત
યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં કલ્પાંત
સાયલાના ધાંધલપર ગામે કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. યુવતીનું સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાયલા તાલુકાના ધાંધલપુર ગામે રહેતી અનીતાબેન દેવશીભાઇ ખાંભલા નામની 22 વર્ષની યુવતી પોતાની વાડીએ હતી ત્યારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર કારગત નિવડે તે પહેલા જ યુવતીએ હોસ્પીટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.
આ અંગે સિવિલ હોસ્પીટલ પલીસ ચોકીના સ્ટાફે ધજાળા પોલીસને જાણ કરતા ધજાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી ત્રણ ભાઇ બે બહેનમાં વચેટ હતી. કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ધજાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
