વાવડીમાં યુવતી અને પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે આવેલા વાવડી ગામે જુદા જુદા બે સ્થળે યુવતી અને પરિણીતાએ આપઘાતના પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતીએ ડિપ્રેશનમાં બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી જ્યારે પરિણીતાએ પતિ સાથે ઝઘડો થતાં ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતી અને પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાવડી ગામે રહેતી અંકિતાબેન ભરતભાઈ ધોરીયા નામની 28 વર્ષની યુવતી રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે માનસિક બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી.
યુવતીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં અંકિતાબેનના છ માસ પૂર્વે લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં એક પુત્રી છે. અંકિતાબેનના છૂટાછેડા થઈ ગયા બાદ પુત્રી તેણીના પતિ પાસે છે. અંકિતાબેન ધોરીયાએ ડિપ્રેશનમાં બીમારીની દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં વાવડીમાં આવેલા ભવાનીનગરમાં રહેતી કિરણબેન વિજયભાઈ સોલંકી નામની 24 વર્ષની પરિણીતા રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી.
ત્યારે પતિ વિજય સોલંકી સાથે જમવા મુદ્દે ઝઘડો થતા તેણીને માઠુ લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.