ધોરાજીમાં મકાનમાંથી જુગારધામ, દારૂ અને ગાંજાનો જથ્થો મળ્યો
ગાંધીના ગુજરાતમાં જાણે કાયદો અને વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ ગુનેગારો બેફામ વર્તી રહ્યા છે. જેનો એક જીવતો જાગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલ સુધરાઈ કોલોનીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી તપાસ કરતા 3.400 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સાથો સાથ મકાનમાંથી જુગાર રમતી મહિલા સહિત 7 શખ્સો પણ મળી આવ્યા હતાં. અને રસોડામાંથી વિદેશી દારૂના 20 ચપલા પણ મળી આવતા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલ સુધરાઈ કોલોનીમાં રહેતા સુફિયાન સલીમભાઈ શેખ અને તેની બહેન યાસ્મીન સલીમભાઈ શેખ ઘરમાંથી ગાંજાની નાની-નાની પડીકી બનાવી વેચાણ કરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે પોલીસે સરકારી પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો.
પોલીસના દરોડા દરમિયાન ઘરમાંથી રૂા. 34000 ની કિંમતનો 3.400 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે મકાનમાં જુગારધામ પર ધમધમતુ હતું. પોલીસે એનડીપીએસની સાથે જુગારની પણ કાર્યવાહી કરી જુગાર રમતા હસિનાબેન મહોમદભાઈ ગરાણા ઉ.વ.28, જયંતિભાઈ રામજીભાઈ શિંગાળા ઉ.વ.52, શૈલેષ રમેસભાઈ દેસાણી ઉ.વ.37, પ્રશાંત રિસીશભાઈ સરવાણી ઉ.વ.37, મુકેશ ખીમચંદ ઉકરાણી ઉ.વ.42, અમિત ગરીબદાસ મેસવાણી ઉ.વ.34 અને યાસમીન ઉર્ફે સન્ના સલીમભાઈ શેખ ઉ.વ.28ની જુગાર રમવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને જુગાર રમતા બે મહિલા સહિત 7 શખ્સો પાસેથી 11,370ની રોકડ, 22000 ક્મિતના 7 મોબાઈલફોન કબ્જે કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત પોલીસે મકાનની જડતી લેતા રસોડામાં આવેલ સ્ટીલના હાંડામાં છુપાવેલ રૂા. 2000ની કિંમતના વિદેશી દારૂના 20 ચપલા પણ મળી આવતા પ્રોહિબીશન ભંગ હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંજાની બાતમી પરથી પોલીસે પાડેલા દરોડા દરમિયાન ગાંજાના જથ્થા સાથે જુગારધામ અને વિદેશી દારૂ મળી આવતા પોલીસે ક્વોલીટી કેસ કરી અલગ અલગ ત્રણ ગુના દાખલ કર્યા છ ે.
આ કામગીરી ધોરાજીના પી.આઈ. આર.જે. ગોધમ, પીએસઆઈ એસ.એચ. લીલા, પીએસઆઈ પી.કે. ગોહિલ, અશોકભાઈ ગોહેલ, કિશોરભાઈ, ભાવેશભાઈ, લાખુભા, પંકજભાઈ, શક્તિસિંહ, યોગેશભાઈ, મીરાબેન, સંજીદાબેન સહિતના સ્ટાફે કરી હતી.