સાડા ચાર મહિનાના માસુમ બાળકને તાવ ભરખી ગયો
ઉનાળાની આકારા તાપ વચ્ચે પણ તાવના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં સામાકાંઠે સંતકબીર રોડ પર રહેતા પરિવારના ચાર મહિનાના માસુમ બાળકને તાવ ભરખી જતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. બાળકને બે દિવસથી તાવ આવતો હોય દરમિયાન બેભાન થઇ જતા તેનું મોત નીપજ્યુ હતુ.
સંતકબીર રોડ પર આવેલી શકિત સોસાયટી શેરી નં.8માં રહેતા અશ્ર્વીનભાઇ ગોહેલના સાળા ચાર મહિનાના પુત્ર જયને બે દિવસથી તાવ આવતો હોય જેથી પરિવાર જનો દ્વારા પુત્રની દવા લેવામાં આવી હતી. જો કે આજે સવારે બાળક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બાળક બે ભાઇમાં નાનો અને તેના પિતા વીમા એજન્ટ હોવાનું જાણવા મળ્યું છે.