ભોગાત ગામે અજાણ્યા વાહનની ઠોકરે પગપાળા જતી શ્રમિક મહિલાનું મોત
મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના જુનાવર તાલુકાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે એક આસામીની વાડીમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના લલીતાબેન મુકુટ ચૌહાણ નામના 45 વર્ષના આદિવાસી મહિલાને શુક્રવારે રાત્રિના સમયે કલ્યાણપુરથી આશરે 32 કિલોમીટર દૂર ભોગાત ગામ નજીકથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે લલિતાબેન ચૌહાણનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જીને આરોપી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સંદર્ભે મધ્યપ્રદેશ રાજ્યના ગબ્બર આનંદસિંહ વાસ્કેલ (ઉ.વ. 39, રહે. હાલ સતાપર) ની ફરિયાદની કલ્યાણપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ધીણકીના પ્રૌઢ પર કુટુંબી શખ્સો દ્વારા હુમલો
દ્વારકા તાલુકાના ધીણકી ગામની સીમમાં રહેતા કારાભા વજાભા સુમણીયા નામના 50 વર્ષના પ્રૌઢને વડીલોપાર્જીત મિલકતના ભાગ બાબતનો ખાર રાખીને આ જ ગામના કાનાભા વજાભા સુમણીયા અને રામસંગ કાનાભા સુમણીયા નામના બે શખ્સોએ છરી બતાવી, લોખંડના પાઇપ વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.