લીંબડીમાં મધમાખીના ડંખથી ખેતમજૂર મહિલાનું કરૂણ મોત
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના શિયાણી ગામમાં એક અત્યંત કરૂૂણ અને દુ:ખદ ઘટના બની છે. ખેતરમાં મજૂરી કરી રહેલી એક મહિલાનું મધમાખીના ડંખ લાગવાથી મોત નીપજ્યું છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શિયાણી ગામની સીમમાં એક ખેતમજૂર મહિલા પોતાના કામમાં વ્યસ્ત હતી. તે દરમિયાન અચાનક મધમાખીઓના ઝુંડે તેના પર હુમલો કર્યો હતો અને મહિલાને શરીરના અલગ-અલગ ભાગો પર અનેક ડંખ માર્યા હતા.
મધમાખીના ડંખને કારણે મહિલાની તબિયત ગંભીર રીતે લથડી હતી. આ બનાવ બનતા જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી. મહિલાને તાત્કાલિક સારવાર આપવામાં આવી પરંતુ મધમાખીના ઝેરી ડંખની અસર એટલી ગંભીર હતી કે તબીબી સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં જ મૃતક મહિલાના પરિવારજનો અને ગ્રામજનોમાં શોક વ્યાપી ગયો હતો. ખેતરમાં કામ કરતી વખતે મધમાખીના ડંખથી મહિલાનું મોત થવાની આ દુ:ખદ ઘટનાએ વિસ્તારના અન્ય ખેતમજૂરોમાં પણ ભયનો માહોલ પેદા કર્યો છે.