રાણપુરના ખોખરનેશમાં વીજ ચેકિંગ સમયે મહિલા નાયબ ઇજનેરને ધક્કો મારી બહાર કાઢી મુકયા
બોટાદના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામમાં વીજ ચેકિંગ કરવા ગયેલી PGVCLની સાથે બબાલ થઈ છે. ડેપ્યુટી એન્જિનિયર દીપ્તિબેન ગોહિલ અને તેમની ટીમ સાથે ગેરવર્તણૂક, ધક્કામુક્કી અને અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે.આ મામલે ગામના સરપંચ સહિત ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. નાયબ ઈજનેર દિપ્તીબેન ગોહિલે જણાવ્યું હતું કે અમે સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ અંતર્ગત ખોખરનેશ ગામમાં વીજ ચેકિંગ માટે ગયા હતા. આ સમયે અન્ય વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા. હીરાભાઈ સવજીભાઈ સાંકળિયાના ઘરે નિયમ પ્રમાણે વીજ ચેકિંગ માટે ગયા હતા.
ત્યારે ગેરરીતિ જોવા મળી હતી. જેના ફોટા પાડેલા હતા. આ સમયે ગ્રાહક અને તેના અન્ય સાથીદારો હાજર હતા. જેમણે ઉગ્ર વાતચીત કરી.દિપ્તીબેને કહ્યું હતું કે મને એવું કહેવામાં આવ્યું કે તમે ફોટા કેમ પાડો છો. જો કે અમે તો તેમની મૌખિક મંજૂરી બાદ ચેકિંગ માટે ઘરમાં પ્રવેશ્યા હતા. સાથે જ અમારી ફરજમાં રૂૂકાવટ કરી મને ધક્કો માર્યો અને ઘરમાંથી હાંકી કાઢવામાં આવી.
કેટલાક લોકોએ વીડિયોગ્રાફી પણ કરી. આ સમયે સ્થળ પરથી પૂરાવા મળ્યા એમના ફોટા અમે પાડ્યા હતા. જો કે અમારી ફરજમાં તેમણે રૂૂકાવટ કરી. આ સ્થળે સ્ત્રીને છાજે નહીં તેવી હરકતો કરી. વીજ ચોરીના જે પૂરાવા મળ્યા એમના જ ફોટો લઈ એ લોકો દ્વારા મને ઘરની બહાર હાંકી કાઢવામાં આવી. સરપંચ ભરતભાઈ સાંકળિયાએ જણાવ્યું હતું કે વીજ ચેકિંગમાં એવું છે કે એમના ઘરે લંગરિયા કે કોઈ વસ્તુ એવી નથી. ઘરે ગોદડા ને એવું બધાની તપાસ કરવામાં આવી.
અંદરથી વાયર કાઢીને એવું કહેવામાં આવ્યું કે તમારે કાયદેસર લંગરિયા છે. એવું કાઈ નથી કોઈએ પણ ગેરવર્તણૂક નથી. અમારી પાસે વીડિયો પણ છે. એમની પાસે જીઈબીવાળા પાસે વીડિયો હોય તો બતાવે. અમારી સામે ખોટી ફરિયાદ કરવામાં આવી. અને સ્ત્રી હોવાનો એ ફાયદો ઉઠાવી રહ્યા છે. ઉના PGVCLવિભાગીય કચેરીના નાયબ ઈજનેર દીપ્તિબેન ગોહિલ તેમની ટીમ સાથે ખોખરનેશ ગામે વહેલી સવારે સાડા છ વાગ્યે વીજ ચેકિંગ માટે ગયા હતા. આ સમયે હિરાભાઈ સવજીભાઈ સાંકળીયાના ઘરે ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. ચેકિંગ દરમિયાન ભાવિકભાઈ હર્ષદભાઈ સાંકળીયા, હિરાભાઈ સવજીભાઈ સાંકળીયા, હર્ષદભાઈ હિરાભાઈ સાંકળીયા અને ભરતભાઈ નાગરભાઈ સાંકળીયા (તમામ રહે. ખોખરનેશ, તા. રાણપુર) દ્વારા દીપ્તિબેન ગોહિલ અને તેમની ટીમ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
