સાવરકુંડલાના જાબાળ ગામના ખેડૂતે 7 વિઘાનો પાક બગડી જતા પાથરા સળગાવ્યા
કમોસમી વરસાદને કારણે ખૂબ નુકસાન થયું છે ખેડૂતોના તૈયાર પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના ખેડૂત મુકેશભાઈની 7 વીઘા જમીનમાં મગફળી નો પાક તૈયાર હતો અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે મગફળીના પાથરા સંપૂર્ણ પલળી ગયા હતા. જેનાથી પાકને ભારે નુકસાન થયું હતું ત્યારે આ ખેડૂત દ્વારા પલળી ગયેલા મગફળીના પાથરા સળગાવી દીધા છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ખેડૂતનો રોષ દેખાઈ રહ્યો હતો.
હજી સુધી સરકાર દ્વારા કોઈ સહાય પેકેજ જાહેર કરવામાં ન આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના ખેડૂત મુકેશભાઇએ પોતાના પાકને સળગાવીને સરકાર સુધી પોતાનો વિરોધ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ નુકસાની વાત સરકાર સુધી પહોંચે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે તેવા પ્રયાસો કર્યા હતા. સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આવા અનેક નુકસાનીના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને કમોસમી વરસાદને કારણે ખૂબ જ નુકસાન પણ થયું છે ત્યારે સરકાર વ્હેલી તકે યોગ્ય સહાય આપે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.
આંબરડીમાં ખેડૂતે મગફળીનો પાક બગડી જતા પશુઓને ચરાવી દીધો
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે ખેડૂત ખાતેદાર ભગવાનભાઈ કરશનભાઈ માલાણી એ મગફળીનો તૈયાર પાક પાથરા અવસ્થામાં હતો અને સંપૂર્ણ ઉગી જતા અને બગડી જતા બકરીઓ ,ભેંસો અને ગાયોને રોતા રોતા હસતા મુખે ચરાવી દીધો હતો. સતત આઠ દિવસથી કમોસમી વરસાદ પડ્યા બાદ છેલ્લા બે ત્રણ દિવસથી વરાપ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોએ પોતાનો આ બધોય પાક પશુઓને ચરાવી દીધો હતો અને ફરીથી નવી આશા સાથે ખેડૂતોએ ફરીથી ખેતી કામ શરૂૂ કર્યું હતું.