માવઠાના મારથી ચિંતિત વિસાવદરના ઇશ્ર્વરીયાના ખેડૂતનો દવા પી આપઘાત
દીકરો- દિકરી નોંધારા, બાળકોની સ્કૂલની ફી ભરવાની ચિંતામાં હતા
ગુજરાતમાં આ વર્ષે પડેલ માવઠાના કારણે હવે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ નુકશાનને કારણે ખેડૂતોની હાલત ખુબ જ કફોડી બની છે. માવઠાના મારના કારણે ખેડૂતો આપઘાત જેવું ખુબ જ ગંભીર પગલું ભરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં માવઠાથી નુકશાનના કારણે અંદાજે 5 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આજે વધુ એક ખેડૂતે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. વિસાવદરના ઈશ્વરીય ગામના ખેડૂતે આર્થિક સંકળામણના કારણે જીવન ટૂંકાવ્યું છે.
વિસાવદરના ઈશ્વરીયા (ગીર)ના ખેડૂતે આર્થિક સંકળામણના કારણે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. 42 વર્ષીય ખેડૂતને માત્ર દશ વીઘા જમીન હતી. જેમાં તેમણે મગફળી, ડુંગળી અને ઉનાળુ પાક તલ અડદનો પાક નિષ્ફળ જતા ઘણા સમયથી પોતે ચિંતામાં હતા. કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા ભરી લીધું પગલું છે.
શૈલેષભાઈ દામજીભાઈ સાવલિયા નામના ખેડૂતના આપઘાતથી ચકચાર મચી ગઈ છે. પોતાના ખેતરમાં જ ઝેરી દવા પી મોત વ્હાલું કરી લેતાં અરેરાટી મચી ગઈ છે. મૃતકના પરિવારજનોનો પોલીસ સમક્ષ આર્થિક સંકળામણનુ કારણ જાહેર કર્યું. સમગ્ર મામલે વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી. ખેડૂતના આપઘાતથી સમગ્ર પંથકમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. મૃતક ખેડૂતને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. બન્ને બાળકોની સ્કૂલની ફી ભરવાના પૈસાને લઈ ખેડૂત ચિંતામાં હતો. અંતે ખેડૂતે પોતાના ખેતરમાં તુવેરના પાકમાં જેરી દવા પી આપઘાત કર્યો.