દરેડ જીઆઇડીસીમાં કારખાનેદારને વીજ આંચકો લાગતાં મોત નીપજ્યું
બે બાળકીઓએ પિતાનું છત્ર ગુમાવી દેતાં પરિવારજનોમાં ભારે કલ્પાંત
જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પેકેજીંગ નું કારખાનું ધરાવતા એક વેપારી યુવાનને ગઈકાલે પોતાના કારખાનામાં ઈલેક્ટ્રીક બોર્ડમાં હાથ અડી જવાના કારણે વીજ આંચકો લાગ્યો હતો, અને તેઓનું બનાવના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જેથી ભારે કરુણાંતિકા સર્જાઈ હતી, અને વેપારી ની બે માસુમ બાળકીઓએ પિતાનું છત્ર ગુમાવી દેતાં પરિવાર જનો ભારે શોક મગ્ન બન્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા અને દરેડ જીઆઇડીસી ફેસ ટુ માં ખોડલ પેકેજીંગ નામનું કારખાનું ધરાવતા મયુરભાઈ જમનભાઈ કોટડીયા નામના 35 વર્ષ ના વેપારી, કે જેઓ ગઈકાલે પોતાના કારખાનામાં કામ સંભાળી રહ્યા હતા, જે દરમિયાન ઈલેક્ટ્રીક બોર્ડમાં સ્ટાર્ટર વગેરેની પાસે ઈલેક્ટ્રીક લાઈનને તેનો હાથ અડી ગયો હતો, અને વીજ આંચકો લાગતાં તેઓ બનાવના સ્થળે જ બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા.
જેથી કારખાનામાં ભારે દોડધામ થઈ હતી, અને ત્યાં કામ કરતા શ્રમિકોએ તુરતજ 108 ની ટિમને જાણ કરી હતી. જે ટીમ બનાવના સ્થળે આવી હતી, અને તેઓએ કારખાનેદાર મયુરભાઈ કોટડીયા ને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જેથી ભારે કરુણાંતિકા છવાઈ હતી. આ બનાવ અંગે મૃતકના સંબંધી હાર્દિકભાઈ મનસુખભાઈ કોટડીયાએ પોલીસને જાણ કરતાં પંચકોષી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એસ. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મયુરભાઈના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. મયુરભાઈને સંતાનમાં બે પુત્રીઓ છે, જેમાં એક પુત્રી સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે બીજી પુત્રી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. જે બંને પિતાનું છત્ર ગુમાવી દેતાં પરિવારજનો ભારે શોક મગ્ન બન્યા છે.