યુવાને દારૂના રૂપિયા નહીં આપતા નશેડીએ માર માર્યો; મારની બીકે સગીર પણ ઘરેથી ભાગી ગયો
શહેરમાં માધાપર ચોકડી પાસે ઝુંપડપટ્ટીમાં રહેતાં યુવાન પાસે ત્રણ શખ્સોએ દારૂ પીવા માટે 50 રૂપિયા માંગ્યા હતાં. યુવાને રૂપિયા નહીં આપતાં ત્રણેય શખ્સોએ યુવકને ધોકા વડે માર માર્યો હતો. મોટાભાઈને માર મારતાં જોઈ નાનો ભાઈ ઘરેથી નાસી છુટયો હતો. પરિવાર દ્વારા ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડી સગીરની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માધાપર ચોકડી પાસે ઝુંપડપટ્ટીમાં રહેતાં વિરા દેવાભાઈ પરમાર (ઉ.30)સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે જીતુ, ગણેશ અને રમેશ નામના શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત યુવાન ગાડી ઉતારવાનું કામ કરે છે અને હુમલાખોર રમેશે દારૂ પીવા માટે 50 રૂપિયા માંગ્યા હતાં. પરતુ યુવાન 50 રૂપિયા નહીં આપતાં ત્રણેય શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. વિરા પરમારને મારતાં જોઈ તેનો સગીરવયનો નાનો ભાઈ રવિ પરમાર ઘરેથી બીકના માર્યા ભાગી ગયો હતો. પરિવાર દ્વારા હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડી ઘરેથી નાસી છુટેલા સગીરની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.