ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે યુવાને દારૂના નશામાં પોતાની જાતે બ્લેડના કાપા માર્યા
શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો અને શેરડી વેચી પરિવારનું ગુજરાન ચલાવતાં યુવાને ભક્તિનગર રેલવે સ્ટેશન પાટા પાસે દારૂના નશામાં પોતાની જાતે બ્લેડ વડે કાપા મારી લીધા હતાં. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લક્ષ્મીનગરમાં મેલડી માતાજીના મંદિર પાસે રહેતાં અજીત ભાઈલાલભાઈ ઉધરેજીયા નામનો 35 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં ભક્તિનગર રેલવે સ્ટેશન પાટા પાસે હતો ત્યારે દારૂના નશામાં પોતાની જાતે બ્લેડ વડે કાપા મારી લીધા હતાં. યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટનાં ઉમરગઢ ગામે રહેતી વનિતાબેન મનીષભાઈ પરમાર નામની 19 વર્ષની પરિણીતાએ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં દલસુખભાઈની વાડીએ હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં વનિતાબેનના સાત મહિના પહેલા જ લગ્ન થયા હતાં અને તેણીને હાલ ત્રણ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોઠારીયા રોડ પર આવેલ ઉત્સવ પાર્કમાં રહેતા નિરવકુમાર દેવેન્દ્રભાઈ પથરેથા (ઉ.45) અટીકા ફાટક પાસે હતા ત્યારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
