ઉપલેટા-ધોરાજી ભારે વરસાદના કારણે ખાનાખરાબી, નુક્સાનીના સરવે માટે એક ડઝન ટીમ ઉતારાઈ
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા ધોરાજી ઉપલેટા પંથકમાં બારેમેઘ ખાંગા થયા હતાં. જેના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું અને છ ગામ બેટમાં ફેરવાઈ ગયા હતાં. ઉપલેટા-ધોરાજી પંથકમાં ભારે વરસાદના કારણે ઉભા પાકને અને મિલ્કતને ભારે નુક્શાન થયું છે ત્યારે નુક્શાનીનો સર્વે કરવા માટે કલેક્ટરે એક ડઝન ટીમો ઉતારી છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા-ધોરાજી પંથકમાં બે દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે નદી-નાળાઓમાં પુર આવ્યા હતાં અને મોજ તેમજ વેણુ ડેમના પાટિયા ખોલવા પડ્યા હતાં. જેના કારણે લાઠ, ભીમોરા, સતાવડી સહિતના અડધો ડઝન ગામમાં પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાઈ ગયા હતાં.
ભારે વરસાદના કારણે ઉપલેટા પંથકના અનેક ગામોમાં પાક ધોવાઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ ગામમાં ઘરોમાં પાણી ઘુસી જતાં મિલ્કતોને પણ ભારે નુક્શાન થયું હતું. આ બાબતે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત થતાં કલેક્ટર પ્રભવ જોશીએ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
ઉપલેટા-ધોરાજી પંથકમાં ભારે વરસાદના કારણે ઉભા પાક અને મિલ્કતોને કેટલુક નુક્શાન થુયં તેનો તાગ મેળવવા માટે એક ડઝન ટીમ સર્વે માટે ઉતારવામાં આવી છે. કલેક્ટરના આદેશથી નુક્શાનીનો સર્વે કરવા માટે આજ સવારથી જ ટીમો ધોરાજી-ઉપલેટા પંથકના અસરગ્રસ્તો ગામડાઓમાં સરપંચ, તાલાટી મંત્રીને સાથે રાખીને સર્વે શરૂ કરી દીધો છે.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના આદેશથી ભારે વરસાદના કારણે થયેલી નુક્શાનીનું રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. જેના આધારે રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને થયેલ નુક્શાનની સહાય કેસડોલથી ચુકવવામાં આવશે તેમ જાણવા મળેલ છે.