માનસ સદ્ભાવના યજ્ઞ થકી રામકથા સ્થળે દિવ્ય ઊર્જામય વાતાવરણ સર્જાયું
મોરારિબાપુ કથા પૂર્વે દેવોને આહવાન કરવા ઇકો ફ્રેન્ડલી 108 કુંડ યજ્ઞ સંપન્ન: દેશ-વિદેશથી સદ્ભાવનાના દાતાઓ-સહયોગીઓ યજમાનપદે બિરાજ્યા
અખિલ વિશ્ર્વ ગાયત્રી પરિવાર દ્વારા રામનામ ઉપરાંત ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય, શ્રીગણેશ અને લક્ષ્મી મંત્રોની આહુતિ અર્પણ
સદભાવના વૃદ્ધાશ્રમના વડિલો અને વૃક્ષોના લાભાર્થે આગામી તા.23મીથી યોજાનારી મોરારિબાપુની વૈશ્વિક રામકથા પૂર્વે આજે દેવોને આહવાન કરવા વૈદિક મંત્રોચ્ચાર સાથે 108 કુંડ માનસ સદભાવના યજ્ઞ દિવ્ય વાતાવરણમાં સંપન્ન થયો.
વૈશ્વિક રામકથા માનસ સદભાવના માં દેવતાઓને આહવાન આપવા રેસકોર્સ મેદાન ખાતે યજ્ઞ યોજાયો હતો, દરેક કુંડ પર એક એમ કુલ 108 ઉપાચાર્યો એ યજ્ઞ કરાવ્યો હતો.યજ્ઞમાં વિદ્વાન બ્રહ્મદેવતાઓ શાસ્ત્રોક્ત વિધિથી શ્રી રામ નામની આહુતિઓ અર્પણ કરી હતી, ઉપરાંત જેને સદબુધ્ધિનો મહામંત્ર માનવામાં આવે છે તે ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજય મંત્ર, શ્રી ગણેશ મંત્ર અને શ્રી લક્ષ્મી મંત્રો સાથે સમગ્ર રેસકોર્સ મેદાનમાં એક શુભ ઉર્જા અને આવરણ સર્જાયું હતું. આ પવિત્ર આવરણ માત્ર રેસકોર્સ મેદાન જ નહીં પણ સમગ્ર રાજકોટના આકાશને પવિત્ર ઊર્જાથી ભરી દીધું. સમગ્ર વૈદિક પરંપરા સાથે આ યજ્ઞોથી રેસકોર્સ મેદાનમાં ઋષિ સંસ્કૃતિના દર્શનની પણ ઝાંખી થઇ હતી.
દરેક કુંડ પર 2 યજમાન દંપતી એટલે કે 216 યજમાન દંપતીએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના બહેનોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આહુતિ આપી દેવોને આહવાન કર્યું હતું.આ યજ્ઞની વિશેષતા એ રહી કે યજ્ઞ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હોય એમાં ક્યાંય પર્યાવરણને નુકસાન કરે એવી પ્લાસ્ટિક સહિતની કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ઉપરાંત યજમાન દંપતીઓને પણ રીસાઈકલેબલ મટિરિયલ એટલે કે કાગળ અને કાપડની બેગ વગેરે આપવામાં આવ્યું હતું.
યજ્ઞમાં સહભાગી થવા દુબઈ,મસ્કત સહિત વિશ્વભરમાંથી સદભાવનાના દાતાઓ અને શુભેચ્છકો પધાર્યા હતા તો રાજકોટ જિલ્લા કલેક્ટર પણ યજ્ઞમાં યજમાનપદે રહ્યા હતા. દરેક યજમાનોને આગલે દિવસે જ ધોતી,ખેસ સહિતની કીટ પહોંચાડી દેવામાં આવી હતી.પુરુષ યજમાનો ધોતી કુર્તા સાથે પરંપરાગત વસ્ત્રોમાં યજ્ઞમાં બેઠા હતા. યજમાન દંપતીઓને યજ્ઞની પ્રસાદી રૂૂપે તાંબાનું તરભાણું પંચપાત્ર સહિતનો સેટ,રુદ્રાક્ષની માળા અને પૂજનમાં રાખેલી સોપારી અર્પણ કરવામાં આવી હતી.
રેસકોર્સના મેદાનમાં માનસ સદભાવના યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચારને કારણે દિવ્ય ઊર્જામય વાતાવરણનું નિર્માણ થયું હતું.માનસ સદભાવના યજ્ઞ સમિતિના ઉમેશભાઈ માલાણી માલાણી કંસ્ટ્ર. , ડી. કે. પટેલ ચાર્ટડ એકાઉન્ટન્ટ, અમર ભાલોડીયા ગેલેકસી ગ્રુપ, એસ. એન. કે. સ્કૂલ , રાજકોટ, પ્રતિક ડઢાણિયા આર્કિટેક્ટ હરિશ રાણપરા ચાર્ટડ એકાઉન્ટન્ટ સહિતના મહાનુભાવોએ યજ્ઞને દિવ્યાતિદિવ્ય બનાવવા જહેમત ઉઠાવી હતી.
માનસ સદ્ભાવનાની પોથીયાત્રાના રૂટ પર દીપી ઉઠશે ભવ્ય રંગોળી
સદભાવના વૃદ્ધાશ્રમની વૈશ્વિક રામકથાના અવસરે પોથી યાત્રાના રુટપર અને કથા સ્થળે અદભૂત રંગોળીની સેવા કિંજલબેન રાજપૂત દ્વારા થશે. તા.23મી એ પોથીયાત્રા વિરાણી હાઇસ્કૂલથી શરૂૂ થાય ત્યાંથી કથાસ્થળ સુધી અલગ અલગ ટ્રેડિશનલ રંગોળી ઓર્ગેનિક રંગોથી સજાવવામાં આવશે વળી કથાસ્થળે વિશાળ કદની હનુમાનજીની રંગોળી બનાવવામાં આવશે તો સ્વાગત કક્ષમાં પણ અયોધ્યાના રામ લલ્લાની રંગોળી ફ્લાવરના ડેકોરેશનથી તૈયાર કરવામાં આવશે સાથે સાથે પૂ.મોરારિબાપુનું પોટ્રેટ પણ બનાવાશે. કિંજલબેને જણાવ્યું હતું કે 22મી નવેમ્બરે આખી રાત રંગોળીનું કામ ચાલશે. કથાસ્થળની 2 રંગોળી નિયમિત રિતે અલગ અલગ પ્રકારની બને એવા પ્રયાસ પણ કરવામાં આવશે. જોનાર માટે એક સામાન્ય રંગોળી હોય છે પણ રંગોળી તૈયાર કરનાર કલાકાર માટે પોતાનો ભાવ નિચોવવાનો હોય છે માટે લોકોએ રંગોળી વિખાય નહિ એવો પ્રયાસ કરવો જોઈએ.
વૃદ્ધાશ્રમો આજે વડીલો માટે માનાશ્રમો બની રહ્યા છે: જય છનિયારા
આજના યુગમાં વૃદ્ધાશ્રમો એ વૃદ્ધોના આશ્રયસ્થાનો નહિ પણ વડિલોના માનાશ્રમો છે એવું આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર જય છનિયારાએ જણાવ્યું હતું. તેમણે સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત પૂ.મોરારિબાપુની રામકથા માટે જન જનમા જોવા મળતા ઉમંગની ખૂબ પ્રશંસા કરી હતી. જય છનિયારાએ જણાવ્યું હતું કે, પહેલા 5 વર્ષ બાળકની આંગળી પકડનાર માતા-પિતાનો જિંદગીના છેલ્લા 5 વર્ષ હાથ ઝાલવો એ દરેક સંતાનની ફરજ છે.આજે વૃદ્ધાશ્રમો સમયની માંગ બની ગયા છે. સંતાનો માતા-પિતાને તરછોડે એવા કિસ્સા બહુ ઓછા બને છે પણ વડિલોના નિરાધારપણાને કારણે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે. એમણે વૃક્ષારોપણની પ્રવૃતિ માટે સદભાવનાના ખૂબ વખાણ કર્યા અને જણાવ્યું કે દેશને હરિયાળો કરવા સદભાવનાએ જે પહેલ કરી છે તે અપ્રતિમ છે. વૃક્ષ પર જ્યારે કુહાડો ચાલતો હોય છે ત્યારે એમાં ક્યાંક લાકડાનો હાથો જવાબદાર હોય છે. જયભાઈએ વધુમાં કહ્યું કે કથાના અક્ષરો ઉલટાવીએ તો થાક થાય.એનો અર્થ એ કે કથા સાંભળવાથી થાક ઉતરી જાય છે માટે આપણે સૌ સદભાવના આયોજિત પૂ.મોરારિબાપુની કથાનો ખૂબ લાભ લેશું.