જામનગરમાં નિરાધાર બાળકને મળી પરિવારની હૂંફ
જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછરી રહેલા એક શિશુને દત્તક વિધાન થકી દુદુલગાવ,પુનાના દંપતીને સોંપવામાં આવ્યું હતું. CARA (સેન્ટ્રલ એડોપ્શન ર્રીસોર્સ ઓથોરીટી)ના માધ્યમથી જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના એક શિશુને મા-બાપની હુંફ મળતા દંપતી સંપૂર્ણ બન્યા છે. આ દંપતીએ બાળકને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા જિલ્લા કલેકટર કેતન ઠક્કરના આદેશ બાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર દ્વારા તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી આ બાળકને કલેકટરના હસ્તે દત્તક વિધાન થકી તેના વાલીને સોપવામાં આવ્યું હતું.
આ તકે બાળકના વાલીએ જણાવ્યું હતું કે, બાળક દતક લેવા અંગે અમે નોંધણી કરી ત્યારથી લઇ અમને બાળક મળ્યું ત્યાં સુધી સ્થાનિક તંત્ર તથા સંસ્થાએ અમને ખુબ મદદ કરી છે. તથા લાગત વિભાગોએ અમને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ સહકાર આપ્યો છે. તેમના આ સહકારને કારણે આજે અમારો પરિવાર પરીપૂર્ણ થયો છે, તેમ જણાવી દરેક અનાથ બાળકને વાલીરૂૂપી નાથ મળે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આજથી ત્રણ વર્ષ પહેલા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરીટીના માધ્યમથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા શરુ કરી હતી. અને આજે અમને બાળક સાથે ખુશીઓ મળી છે.
આજે અમારો પરિવાર સંપૂર્ણ બનતા અમે ખુબજ ખુશ છીએ. દુનીયામાં અનેક એવા નિરાધાર બાળકો છે કે જેમને વાલીની જરૂૂર છે જયારે અનેક એવા દંપતી પણ છે કે જેઓ સંતાન સુખથી વંચિત છે. ત્યારે આ પ્રકારની મદદ બંને માટે આશીર્વાદ રૂૂપ છે. આવા બાળકોને યોગ્ય વાલી મળે અને ફરી તેનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા વહીવટી તંત્ર જામનગર, બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી , જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, સમાજ સુરક્ષા અધિકારી એચ.એમ.રામાણી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શીયાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ભોજાણી, સમિતિના સભ્યો, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઈ ડાંગર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.