ભાણવડના રૂપામોરા ગામે દિવાળીની મધ્યરાત્રિએ દેખાયો મગર
એનિમલ લવર્સ ગ્રૂપ દ્વારા રેસ્ક્યૂ કરાયું
ભાણવડ તાલુકાના રૂૂપામોરા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક મગરના આંટા-ફેરા ચાલુ હોવા અંગેની સ્થાનિકોમાં થતી વાતો વચ્ચે આ મગરે ગુરુવારે દિવાળીની મધ્યરાત્રિએ દેખા દેતા એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને ગ્રુપના અશોકભાઈ ભટ્ટની આગેવાની હેઠળ સમગ્ર ટીમ સ્થળ પર પહોંચી જઈ પાણીના ખાડામાં રહેલા ચાર ફૂટ જેટલા લાંબા મગરને સિફતપૂર્વક રેસક્યુ કરાયો હતો. આ રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળે-ટોળા ઉમટ્યા હતા.
રેસ્ક્યુ બાદ આ મગરને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો હતો. આ રેસક્યુ કામગીરીમાં એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટ, હુસેન ભટ્ટી, હરસુર ગઢવી, હરેશ ભરવાડ, બિપીન અને નિમિષ જોડાયા હતા. ભાણવડ ખાતે એનિમલ લવર્સ દ્વારા છેલ્લા દોઢ દાયકાથી સાપ, અજગર, મગર, જેવા સરીસૃપ જીવોને રેસક્યુ કરીને સલામત સ્થળે મૂકવાની નોંધપાત્ર કામગીરી થઈ રહી છે.