મોરબીના પીપળી ગામની સીમમાં પ્રેમીયુગલનો કૂવામાં ઝંપલાવી આપઘાત
સમાજ એક નહીં થવા દે તેવા ડરે અંતિમ પગલું ભરી લીધું
મોરબીના જૂની પીપળીની સીમમાં આવેલી એક સિરામિક ફેકટરીમાં રહી સાથે મજૂરી કામ કરતા મૂળ પાટણ જિલ્લાના વતની પ્રેમી યુગલે ફેક્ટરી નજીક આવેલા કૂવામાં કૂદીને સજોડે આપઘાત કરી લીધો હતો. આજે સવારે બન્નેના મૃતદેહ મળી આવતાં પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી યુવક પાટણના હારીજ તાલુકાનો વતની હતો અને યુવતી સમી તાલુકામાં રહેતી હતી. સમાજ બંનેને ક્યારે ય એક નહીં થવા તે ડરથી આપઘાત કરી લીધાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
મોરબી તાલુકાના જૂની પીપળી ગામની સીમમાં આવેલા કેરામિટા નામની સિરામિક ફેકટરીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવક યુવતીએ સજોડે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. બન્નેના આજે મૃતદેહ મળી આવ્યા હતા જો કે બન્નેની લાશ પાણીમાં પડી રહી હોવાથી સ્થિતિ અંત્યત ખરાબ રીતે કોહવાઇ ગઇ હોવાથી પ્રથમ મોરબી સિવિલ બાદ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના એએસઆઈ અને સ્ટાફ રાજકોટ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ અંકિત ભલાજી ઠાકોર અને યુવતીનું નામ મિતલ પ્રસાદજી ઠાકોર હોવાનું અને બન્ને પાટણ જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસે બનાવ અંગે નોધ કરી મૃતકના પરિવારનો પત્તો મેળવી તેને જાણ કરવા તજવીજ હાથ ધરી છે .