ઓપરેશન સિંદૂર વખતે જ દેશમાં બગાવત કરવાના કાવતરાનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા AQIS માસ્ટર માઈન્ડ શમા પરવીનની પૂછપરછમાં ખૌફનાક ખુલાસો; પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર, લાહોર લાલ મસ્જિદના ઈમામનો સંપર્ક કરી ભારતમાં ‘ગઝવા એ હિન્દ’ નામે સશસ્ત્ર ક્રાંતિ કરી ‘ખીલાફત’ લાગુ કરવા તૈયારીઓ કરી હતી
ઓપરેશન સિંદુર વખતે દેશની સેના દ્વારા પહેલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપવાનું ચાલુ હતું ત્યારે અલ-કાયદા ઈન્ડીયન સબ કોન્ટીનેટ (AQIS) દ્વારા ભારતમાં મુસ્લીમોને ઉશ્કેરીને સશસ્ત્ર બગાવત કરવાના કાવતરાનો પર્દાફાશ ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં બેંગ્લોરથી ધરપકડ કરેલ 30 વર્ષની મહિલા સમા પરવીન અંસારીની પુછપરછ દરમિયાન આ ચોંકાવનારો ખુલાસો થયો છે. સમા પરવીન દ્વારા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનો પણ સંપર્ક કરાયો હતો અને તેને લાહોરની લાલ મસ્જીદના ઈમામ અબ્દુલ અઝીઝના ભડકાઉ ભાષણો પણ શૅર કર્યા હતાં. જેમાં ભારત સામે હિંસા ભડકાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ ભાષણોમાં ખાસ કરીને હિન્દુ સમુદાય અને તેના મંદિરો તથા સરકારને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી.
બેંગલુરુની રહેવાસી 30 વર્ષીય શમા પરવીન અંસારીને ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (અઝજ) દ્વારા 30 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) ની ખતરનાક પ્રચાર સામગ્રી ફેલાવી હતી. ATSગુજરાતે બેંગલુરુના આર.ટી. નગરમાંથી તેની ધરપકડ કરી અને અમદાવાદની કોર્ટમાં હાજર કરવામાં આવી હતી.
હવે શમા પરવીનના વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી શેર કરવામાં આવેલી કેટલીક પોસ્ટ્સમાં ગંભીર અને ઉશ્કેરણીજનક સામગ્રી મળી આવી છે. જેમાં તેણે પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરને ઉશ્કેરણી માટેના મેસેજ કર્યાનો ખુલાસો થયો છે. શમા પરવીને તેની પોસ્ટ્સમાં પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને 7થી 10 મે, 2025 દરમિયાન ભારત-પાકિસ્તાન સંઘર્ષ વખતે ગઝવા-એ-હિંદ હેઠળ ‘ખિલાફત પ્રોજેક્ટ’ શરૂૂ કરવા માટે ઉશ્કેર્યા હતા.
આ ઉપરાંત શમા પરવીને લાહોરની લાલ મસ્જિદના ઇમામ અબ્દુલ અઝીઝના બયાન શેર કર્યા હતા, જેમાં ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ખિલાફત સિસ્ટમ સ્થાપવાની વાત કરવામાં આવી હતી. આ બયાન ભારત સરકારનો વિરોધ કરવા અને ધાર્મિક-જાતિ આધારિત વિભાજન ફેલાવવા માટે હતા. તેણીએ AQIS નેતા મૌલાના અસીમ ઉમરના બયાન પણ શેર કર્યા હતા, જેમાં ‘ગઝવા-એ-હિંદ’ ના નામે ભારતીય રાજ્ય સામે હિંસા ભડકાવવાના આહ્વાન કરવામાં આવ્યા હતા. આ બયાનમાં ખાસ કરીને હિંદુ સમુદાય અને લોકશાહી શાસનની સંસ્થાઓને નિશાન બનાવવાની વાત હતી.