For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટડી પંથકમાં નવા વર્ષે ગોવાળ પાછળ ગાયોને શણગારી દોડાવવાની સ્પર્ધા યોજાઇ

11:48 AM Oct 29, 2025 IST | admin
પાટડી પંથકમાં નવા વર્ષે ગોવાળ પાછળ ગાયોને શણગારી દોડાવવાની સ્પર્ધા યોજાઇ

150 વર્ષ જૂની અનોખી પરંપરા: ગૌરજને ઉડતી અને પવનની દિશા જોઇ વડિલોએ ગામ માટે સારા શુકન અને સમૃધ્ધિની આગાહી કરી

Advertisement

પાટડી પથંકના પાટડી સહિત આદરીયાણા, ધામા, નગવાડા, વડગામ અને પાનવા સહિતના રણકાંઠાના ગામોમાં 150 વર્ષથી એટલે કે, રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષની વહેલી સવારે ગામના ભાગોળે ગાયોની દોડ હરીફાઇ યોજાઇ હતી.

જેમાં બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓમાં ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવી હતી. આ અનોખી હરીફાઇમાં પ્રથમ આવનાર ગાયનાં ગોવાળનેં પાઘડી પહેરાવીનેં આગવી રીતે સન્માન પણ કરવામાં આવ્યું હતુ.

Advertisement

વિક્રમ સંવતના નવા વર્ષના પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પથંકના પાટડી સહિત આદરીયાણા, ધામા, નગવાડા, વડગામ અને પાનવા સહિતના રણકાંઠાના ગામોમાં વર્ષો જૂની ગામેરું (ડાયરો) અને ગૌરજની અનોખી પરંપરા ધામધૂમથી ઉજવાઈ હતી, જેણે ગામની સંસ્કૃતિ અને લોકજીવનને ઉજાગર કર્યું હતું.

જેમાં આદરીયાણામાં ગામની સ્થાપના થઈ ત્યારથી ચાલી આવતી પરંપરા મુજબ, બેસતા વર્ષના દિવસે સવારે સૌ પ્રથમ ગ્રામજનો પોતપોતાના વિસ્તારમાં ભેગા થયા હતા, જ્યાં સાંપ્રત પ્રશ્નો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના તમામ જ્ઞાતિના લોકો ગામના પ્રાચીન શિવ મંદિરે એકઠા થયા, જેને ગામેરું અથવા ડાયરો કહેવામાં આવે છે. જે માં ગામના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

ગામના પાદરે ગૌરજ દોડ ડાયરાની પૂર્ણાહુતિ બાદ, ચાર-ચાર ઢોલના નાદ સાથે આખું ગામ મહાદેવ મંદિરથી ગામના પાદર તરફ ગયું હતું. ત્યાં માલધારીઓએ પોતપોતાની ગાયોને શણગારી, શિંગડાઓ અને ખરીઓને રંગી તથા કોટમાં ઘૂઘરા બાંધીને પાદરે લાવ્યા હતા.

ગામના તમામ માલધારીઓની ગાયોને એકઠી કરીને દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણ દિશામાં વારંવાર દોડાવવામાં આવી હતી.ગાયો જ્યારે દોડે છે અને તેમની રજ ગામ તરફ ઉડે છે, ત્યારે ગૌરજથી ગામની સમૃદ્ધિ,સુખાકારી અને આરોગ્ય વધે છે એવી વર્ષો જૂની ધાર્મિક માન્યતા છે. આ માન્યતા પ્રમાણે આ વખતે પણ ભારે ધામધૂમથી ગાયોને દોડાવવામાં આવી હતી. ગૌરજને ઉડતી અને પવનની દિશા જોઈ ગામના વડીલોએ આ વખતે ગામ માટે સારા સુકન અને સમૃદ્ધિની આગાહી કરી હતી. બેસતા વર્ષે આ અનોખા ઉત્સવના સાક્ષી બનવા માટે બહારગામ રહેતા લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement