જસદણના દેવપરામાં ગાયે દોટ મૂકતા ધોરણ-7નો વિદ્યાર્થી અડફેટે ચડી ગયો
જસદણ તાલુકાના દેવપરા ગામે કૂતરાએ ગાયને બચકુ ભરતા ગાયે દોડ મૂકી હતી તે દરમિયાન સ્કૂલેથી ઘરે આવતા ધો.7ના છાત્રને ગાયે અડફેટે લીધો હતો. 12 વર્ષના તરૂણને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના દેવપરા ગામે રહેતો હર્ષદ ભરતભાઇ ખસીયા નામનો 12 વર્ષનો તરૂણ બપોરના એકાદ વાગ્યાના અરસામાં સ્કૂલેથી છૂટીને ઘરે પરત જતો હતો. ત્યારે ગાયે દોડ મૂકતા હર્ષદ ખસીયા ગાયની અડફેટે ચડી ગયો હતો. તરૂણને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં હર્ષદ ખસીયા બે ભાઇ એક બહેનમાં નાનો છે અને ધો.7માં અભ્યાસ કરે છે. હર્ષદ ખસીયા સ્કૂલેથી ઘરે આવતો હતો. તે દરમિયાન હડકાયા કૂતરાએ ગાયને બચકુ ભરતા ગાય ભાગી હતી. તે દરમિયાન ગાયે હર્ષદ ખસીયાને અડફેટે લેતા ઇજા પહોંચી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.