તળાજાના કુંઢેલી ગામે રસ્તો ઓળંગતા બાળકને બોલેરોએ કચડી નાખ્યો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંઢેલી ગામે રસ્તો પસાર કરતા બાળકને બોલેરો ચાલકે અડફેટે લેતાં માત્ર 9 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંઢેલી ગામે રહેતા વૈભવગિરી દેવગીરી ગૌસ્વામી (ઉ.વ.09) પોતાનું શાળા કાર્ય પૂર્ણ કરી શાળાથી ઘરે આવી કપડાં બદલાવી બહાર રમવા ગયો ત્યારે વૈભવ દુકાને થી સોડા લઈ પોતાના ઘર તરફ પરત ફરતા રસ્તો પસાર કરી રહ્યો હતો ત્યારે કુંઢેલી ગામના નાગનાથ મંદિર સામે ઢળતી સાંજના લગભગ 5:30 કલાકે એક બોલેરો પિક-અપ વાહન, ગાડી નંબર (જી.જે.04.ડબલ્યુ.8871) ખૂબ ઝડપથી આવી બાળકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીજ્યું હતું.
વૈભાવગીરીના પિતા દેવગિરિ પોતે પાન માવાની દુકાન ચલાવે છે તથા બે મોટી બહેનો છે. પરિવાર માં સૌથી નાનો વૈભવગિરિ જ હતો. હાલ વૈભાવગીરીને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે તથા અન્ય જાણકારી મુજબ બોલેરો વાહન તળાજાના માખણીયા ગામનું હોવાનું જાણવા મળ્યું છે. જેની આગળની કાર્યવાહી તળાજા પોલીસ દ્વારા સાંભળવામાં આવશે.આ ઉપરાંત ગ્રામ જનો દ્વારા ગામમાં જ્યારે મુખ્યમંત્રી આવ્યા હતા તે સમયે તોડી નાખવામાં આવેલા બમ્પ (સ્પીડ બ્રેકર)ના કારણે વાહનચાલકો વધારે ઝડપથી વાહનો ચલાવે છે જેના કારણે આવા અકસ્માત થાય છે તેવું પણ કેહવુ છે.