બે વાહન-કેબિનને કાર અડફેટે લઇ નબીરો ભાગ્યો, રાત્રે હાઇવોલ્ટેજ ડ્રામા
ન્યારી ડેમ રોડ ઉપર અકસ્માત સજર્યા બાદ ભાગેલા કારચાલકને પોલીસ અને લોકોએ પીછો કરી ફિલ્મી ઢબે પકડયો
કાર ચાલકે ડિવાઇડર તોડી ડિલિવરી બોય સહિત બેને અડફેટે લીધા, બંન્નેને પગમાં ગંભીર ઇજા
રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર ફરી અકસ્માતની ઘટના બની હતી.રાત્રિના ન્યારી ડેમના પાટિયા પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી કાર ડિવાઈડર તોડી સામેથી આવી રહેલા ઝોમેટોના ડિલિવરી બોયને બાઈક સહિત હડફેટે લીધો હતો.ત્યાં પાનની કેબીને ઉભેલા અન્ય એક યુવાનને પણ હડફેટે લીધો હતો જેથી નાશભાગ મચી જવા પામી હતી.અકસ્માત બાદ કારચાલકે વાહન પુર ઝડપે હંકારી મૂક્યું હતું. દરમિયાન તાલુકા પોલીસે તેનો પીછો કરી સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીકથી અકસ્માત સર્જનાર આ કારચાલકને ઝડપી લીધો હતો. અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે તાલુકા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો અનુસાર,મવડી પાળ ગામ રોડ પર લાલુભાઈ પારેખ ટાઉનશિપમાં રહેતા અને ઝોમેટામાં ડીલેવરી બોય તરીકે નોકરી કરનાર હિતેશ પ્રવીણભાઈ જસાપરા (ઉ.વ 43) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના તે કેવી ચોક પાસે નેચરલ આઈસ્ક્રીમ દુકાનેથી આઈસ્ક્રીમનું પાર્સલ લઇ ફોનિક્સ રિસોર્ટ ઈશ્વરીયા મેઈન રોડ પર ડિલિવરી કરવા માટે જતો હતો ત્યારે ન્યારી ડેમના પાટિયા પાસે માધવ મહેલ બિલ્ડીંગ સામે રાત્રિના 11:00 વાગ્યે પહોંચતા અહીં સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલી કાર નંબર જીજે 3 એલજી 9232 ડિવાઇડર ટપી યુવાનને બાઈક સહિત અડફેટે લીધો હતો. અહીં બાજુમાં જ પાનની કેબિન આવેલી હોય ત્યાં ઉભેલા સાવન ચોટલીયા (ઉ.વ 18 રહે. અવધના ઢાળિયા પાસે) ને પણ હડફેટે લીધો હતો અને કેબિનમાં પણ નુકસાની કરી હતી. બનાવ બાદ અહીં નાશભાગ મચી જવા પામી હતી.
અકસ્માતમાં ઘવાયેલા બંને યુવાનોને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરિયાદી હિતેશ જસાપરાના પગનો ગોળો ભાંગી ગયો હોવાનું તેમજ અન્ય યુવાન સાવન ચોટલીયાને પગમાં ચાર જેટલા ફ્રેક્ચર થઈ ગયા માલુમ પડ્યું હતું.બીજી તરફ અકસ્માતની આ ઘટના બાદ કારચાલક પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો. તાલુકા પોલીસે અને બે વ્યક્તિએ ધોકા લઇ તેનો પીછો કર્યો હતો અને જાહેર રસ્તા પર જ કારમાં ધોકા મારી ચાલકને રોકવાનો પ્રયત્ન કર્યો અને નુકશાન કર્યું હતું તેમજ પીછો કરી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી કાર ચાલકને ઝડપી લીધો હતો. તેની પૂછતાછ કરતા તેનું નામ ઋત્વિક મકવાણા હોવાનું માલુમ પડ્યું હતું.