રાજકોટમાં વેપારીનું હૃદયરોગના હુમલાથી મોત
- બપોરના અરસામાં ઘરે બેઠેલા આધેડ બેભાન હાલતમાં ઢળી પડતાં પરિવારમાં શોક
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી વધી રહેલા મૃત્યુ આંકથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હાર્ટએટેકના કારણે અનેક માનવ જીંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ હોવાની ઘટનાઓ દિનબદિન વધી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક વેપારી આધેડ પોતાની પાન ફાકીની દુકાને હતા ત્યારે આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલા આસ્થા ચોકમાં રહેતા ભીમજીભાઈ જેઠાભાઇ ભરડવા નામના 59 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બપોરના અઢી વાગ્યાના અરસામાં તેમને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા વૃદ્ધાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતાં પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી મૃતક આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભીમજીભાઈ ભરડવા એકની એક બહેનના એકના એક ભાઈ હતા. અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ભીમજીભાઈ ભરડવા પારડી ગામે આઈ મોંગલ નામથી પાનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.