મોરબી રોડ પર 19 બાંધકામો ઉપર બુલડોઝર ફર્યુ
મહાનગરપાલિકાની માલીકીના રિઝર્વેશન પ્લોટ ખાલી કરાવવા માટે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ઝુંબેશ શરૂ કરાવમાં આવી છે. જે અંતર્ગત આજરોજ ઈસ્ટઝોનમાં વોર્ડ નં. 4માં જૂના મોરબી રોડ ઉપર ધોળકિયા સ્કૂલ પાસે આવેલ અનામત હેતુના પ્લોટ ઉપર થયેલા 19 કાચા-પાકા મકાન ઓરડી સહિતના મકાનો ઉપર બુલ્ડોઝર ફેરવી રૂા. 75.43 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હતી. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજરોજ પૂર્વઝોનમાં વોર્ડ નં. 4માં જૂના મોરબી રોડ ઉપર ધોળકિયા સ્કૂલ પાસે ટીપી સ્કીમ નંબર 13 અંતિમ ખંડ નંબર આર-1 રહેણાકના હેતુ માટેના પ્લોટ ઉપર થયેલા બે પાકા મકાન, બે કાચી ઓરડી, 15 કાચા-પાકા મકાન ઝુપડા સહિતના બાંધકામો ઉપર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉપરોક્ત જમીનના ભાવ પ્રતિ ચોરસ 70 હજાર લેખે ગણતરી કરતા કુલ જગ્યા 10,777 ચો.મી. ખુલ્લી કરાવાઈ હતી જેની બજાર કિંમત 75,43,90,000 અંદાજવામાં આવી છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશ અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ શાખાના પૂર્વઝોન હેઠળ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તેમજ આસિ. એન્જિનિયર, સર્વેયર, વર્ક આસિ., જગ્યારોકાણ વિભાગ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સ તેમજ પોલીસના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. મનપાના ટાઉનપ્લાનીંગ ઓફિસ એમ.ડી. સાગઠિયાએ જણાવ્યા મુજબ રાજકોટ મહાનગર પાલિકાની હદમાં મનપાની માલીકીના અલગ અલગ હેતુ માટે ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે ત્રણેય ઝોનના 18 વોર્ડનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે મુજબ આગામી દિવસોમાં તમામ પ્લોટના દબાણો દૂર કરવા માટે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.