બહેનને સાસરિયામાં મૂકી પરત ફરેલા એકના એક ભાઇનું હાર્ટએટેકથી મોત
કચ્છના ભચાઉમાં બનેલી ઘટના : માતા-પિતાના આધાર સ્થંભ અને 6 બહેનોના એકના એક ભાઇનાં મોતથી પરિવારમાં કલ્પાંત
રાજ્યભરમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ હદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં કચ્છના ભચાવમાં બહેનને સાસરિયામાં મૂકી ઘરે પરત ફરેલા છ બહેનોના એકના એક ભાઈનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કચ્છના ભચાવમાં આવેલા ભટ્ટ પાળીયા વિસ્તારમાં રહેતા આનંદ લાલજીભાઈ મકવાણા નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે યુવકનું હદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આનંદ મકવાણા પોતાના માતા પિતાને આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો અને છ બહેનોનો એકનો એક ભાઈ હતો આનંદ મકવાણા બુઢારમોરા ગામે બહેનને સાસરિયામાં મૂકી ઘરે પરત ફર્યો હતો અને ઘરે પરત આવ્યા બાદ પોતાની માતા સાથે વાત કરતો હતો ત્યારે જ અચાનક આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.