રંગમતી નદી પર સ્વખર્ચે બ્રિજ બનશે, શિક્ષણ સમિતિના 35 પટાવાળાને કાયમી કરાશે
મહાનગર પાલિકાની સામાન્ય સભામાં દરખાસ્ત કરતા લીલીઝંડી અપાઇ : બે મહિનામાં કાલાવડ નાકા બહાર પૂલનુ કામ શરૂ કરવા સીટી ઇજનેરની ખાતરી : બર્ધન ચોકના પાથરણાવાળાને વૈકલ્પીક વ્યવસ્થા આપવા વિપક્ષની માંગ
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં જામનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચોકીદાર કમ પટાવાળા ને કોર્ટ ના આદેશ મુજબ તેમને લાભ આપવા ની બે દરખાસ્તો ને આજે સામાન્ય સભામાં સર્વાનુમતે મંજુરી આપી હતી. ઉપરાંત બે ટીપી સ્કિમના પરામર્શ માટે રાજય સરકારમાં દરખાસ્ત કરવાની આઈટમ વિપક્ષના વિરોધ સામે મંજૂર રાખવામાં આવી હતી. તથા રંગમતી નદી ઉપર સ્વખર્ચે પૂલ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ વર્ષોથી કોન્ટ્રેક્ટ બેઈઝ ઉપર ફરજ બજાવતા કર્મચારીને ભરતીમાં ખાસ સવલત આપવાની દરખાસ્ત અધ્યક્ષ સ્થાને થી રજૂ થતા મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે ટાઉન હોલ માં મેયર વિનોદ ખીમસૂર્યા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન. મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઈજનેર ભાવેશ જાની, અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોકીદાર કમ પટાવાળા તેમજ પાર્ટ ટાઈમ પટાવાળાને કોર્ટના આદેશ અન્વયે કાયમી કરવાને જરૂૂરી લાભો આપવા અંગેની દરખાસ્તે વિપક્ષના સભ્યોની ચર્ચા પછી સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. વિપક્ષના સભ્ય આનંદ રાઠોડે ચર્ચા માં ભાગ લેતા જણાવ્યુ હતુ કે, કોર્ટ માં ન્યાય મેળવનાર અને કોર્ટ માં નહીં ગયેલા કર્મચારી છે તેને પણ ન્યાય આપવામાં આવ્યા છે. તે આવકાર્ય છે. જયારે વિપક્ષના જેનબબેન ખફી એ જણાવ્યુ હતુ કે, આપણે 35 કર્મચારીને ન્યાય આપવા જઈ રહ્યા છીએ પરંતુ બે કર્મચારી ના મૃત્યુ થઈ ચૂકયા છે. જે અફસોસની વાત છે. કોર્ટ માં ગયા તે પહેલા જ આપણે જ ન્યાય આપી દિધો હોત તો વધારે સારૂૂ હોત. આ દરખાસ્ત ને સર્વાનુમતે પાસ કરવામાં આવી હતી.
રંગમતી નદી ઉપર સ્વખર્ચે પુલ બનાવવા માટે હિરેનભાઈ રામદેભાઈ ડેર ની માંગણીની દરખાસ્તને પણ મંજુરી આપવામાં આવી હતી. આ દરમ્યાન વિપક્ષના અસ્લમ ખીલજીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યુ હતુ કે, વિકાસ કામમાં વિપક્ષ તમારી સાથે જ છે પરંતુ કાલાવડ નાકા બહાર બ્રીજનું કામ સત્વરે શરૂૂ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. જેના જવાબો સીટી ઈજનેરએ જણાવ્યું હતું કે, બે માસમાં જરૂૂરી કાર્યવાહી પૂર્ણ થયા પછી કામ શરૂૂ થઈ જશે.
ટીપી સ્કિમ નંબર 21 અને 23માં સમવિષ્ટ સમુલિત સત્તામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી. રસ્તા ની દરખાસ્ત ને વિપક્ષક્ષના વિરોધ સાથે મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે વિપક્ષ ના અલ્તાફ ખફી એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ કામ ચલાઉ એટલે શું ? થોડા સમય ની કે આયોજન વગર ની ? આપણે રસ્તો જેટકો ને આપીએ છીએ પરંતુ કમિશનર નો પત્ર દરખાસ્ત સાથે શું સંગત નથી તો ઉતાવળ શા માટે ? આ ફાઈલ અધ્યક્ષે તો વાંચી જ નથી. સીટી ઈજનેર ભાવેશ જાનીએ જણાવ્યુ હતુ કે, આપણા રિઝર્વેશન નો જ પરામર્શ છે.
તથા સરકાર જમીન ધારકો ને વધુ એક સાંભળવા ની તક પણ આપશે. બીજી તરફ દરખાસ્ત પેન્ડીંગ રાખવાની માંગ અલ્તાફ ખફી એ કરતા વિપક્ષ ના વિરોધ સાથે દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. આ પછી અધ્યક્ષ સ્થાનેથી એક દરખાસ્ત રજુ થઈ હતી. જેમાં ટેકનીકલ વહીવટી સ્ટાફમાં 10, 15 કે 20 વર્ષ થી ફરજ બજાવતા કર્મચારી માટે ભરતી માં વધુ સવલત આપવામાં આવશે. એટલે કે ભરતી સમયે અડધા મહાનગર પાલિકાના કોન્ટ્રકટ બેઈઝ ના કર્મચારીઓ અને અડધા સીધી ભરતી થી લેવામાં આવશે. આ દરખાસ્તને સ્ટે. ચેરમેન નિલેષ કગથરા અને વિપક્ષે પણ આવકારી હતી. જો કે અલ્તાફ ખફીએ કહ્યુ હતુ કે, ચેર ઉપર થી દરખાસ્ત લેવામાં આવી હોવા થી તેનો અભ્યાસ કરવાનો સમય મળ્યો નથી. પરંતુ ભરતી સમયે પણ વિપક્ષ ને સાથે રાખવામાં આવે તેવી માંગણી કરી હતી. આ ભરતીમાં બન્નેની પરીક્ષા કોમન રહેશે. માત્ર મેરીટ અલગ બનશે. આખરે આ દરખાસ્તને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
વિપક્ષ ના અસ્લમ ખીલજી એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ઝીરો ગાર્બેજ કલેકશન એટલે શું..? શહેરમાં ચોતરફ કચરા જોવા મળી રહ્યા છે. સેનાપતિ બદલો સૈનિક બદલવાથી કામ નહીં ચાલે. આ ઉપરાંત તેમણે જુગ્નુ ક્રિકેટ ગ્રાઉન્ડ.નો મુદે પણ ઉઠાવ્યો હતો. તેમણે બર્ધન ચોકના પથારાવાળાનો પ્રશ્ન ઉછાળી વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ માંગણી કરી હતી. તો અલ્તાફ ખફી એ પણ , પથારાવાળા નહી હોવાથી દુકાનદારોનાં પણ ધંધા ભાંગી ગયા છે. અને બર્ધન ચોક.ની રોનક વિખાઈ ગઈ છે.તેમ જણાવ્યું હતું.
સામાન્ય સભાની શરૂૂઆતમાં ભાજપના કોર્પોરેટર બિનાબેન કોઠારી ની શહેર ભાજપ ના અધ્યક્ષા તરીકે વરણી થતા મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન, શાસક પક્ષ ના નેતા સાથે વિપક્ષી નેતા એ બિનાબેન કોઠારી ને ફૂલ નો બુકે આપી સન્માન કર્યુ હતું.