ખંભાળિયાના કજૂરડા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા અને શક્તિરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા - જામનગર હાઈવે માર્ગ પર તાલુકાના કજૂરડા ગામના પાટીયા પાસે એક ઓરડીમાં કોઈપણ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસની માન્યતા ધરાવતી ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા સંજીવકુમાર જગદીશ પ્યારચંદ ચૌહાણ (રહે. મૂળ મોહદીનપુર તા.જી. કર્નલ-હરિયાણા) નામના 38 વર્ષના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.
મેડિકલ ઓફિસરને સાથે રાખીને કરવામાં આવેલી દરોડાની આ કાર્યવાહીમાં પોલીસે સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, ઇન્જેક્શન, દવા વિગેરે વિવિધ પ્રકારનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી વી.પી. માનસેતા, વાડીનારના મેડિકલ ઓફિસર રીયાના ગંઢાર સાથે પોલીસ સ્ટાફના શક્તિસિંહ જાડેજા, નાગડાભાઈ રૂૂડાચ, સુખદેવસિંહ જાડેજા અને ભાવિનભાઈ સચદેવ દ્વારા કરવામાં આવી હતી.