ભાજપનો કાર્યકર કયારેય હારતો નથી, જીતે છે, કાં તો શીખે છે: કિરીટ પટેલ
વિસાવદરમાં પરાજય બાદ ગોપાલ ઇટાલિયાને પાઠવ્યા અભિનંદન
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતુ, જેનું પરિણામ જાહેર થયું છે. જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ 21 રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,554 મતની જંગી સરસાઈથી હરાવ્યા હતા. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
કિરીટ પટેલે પોતાની ફેસબુક પોસ્ટમાં જનતાના ચુકાદાનો સ્વીકાર કરતા હોવાનું જણાવ્યું છે. આ સાથે જ તેમણે વિસાવદરના મતદારોનો આભાર વ્યક્ત કરવા સાથે જ તેમની સામે જીતેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાને અભિનંદન પાઠવ્યા છે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે, ભાજપનો કાર્યકર્તા ક્યારેય હારતો નથી. તે કાં તો જીતે છે, કાં તો શીખે છે. મારી પાર્ટીના વડીલોએ આપેલા ઉપદેશને મારો જીવન મંત્ર બનાવી આગળ ઉત્સાહ સાથે ભાજપ અને સોરઠની સેવામાં સમર્પિત રહીશ. જે રીતે છેલ્લા 20 વર્ષથી હું લોકોની સેવા કરતો આવ્યો છે, તેવી જ રીતે આગળ પણ વધુ ખંત અને મહેનતથી કામ કરતો રહીશ.
કિરીટ પટેલની ફેસબુક પોસ્ટ પર કાર્યકર્તાઓએ પણ પોતાની હતાશા વ્યક્ત કરતા બળાપો ઠાલવ્યો છે. એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું છે કે, આ તમારી હાર નથી, ભાજપના દરેક કાર્યકર્તાની હાર છે. એક કાર્યકર્તાએ કહ્યું છે કે, આખું ગુજરાત ખતરામાં દેખાય છે. અન્ય એક કાર્યકર્તાએ કહ્યું છે કે, હારને સ્વીકારો, હારના કારણોનું વિષ્લેષણ કરો અને ક્યાંય કચાશ રહી હોય તો શોધો. બાકી આતો રાજકારણ છે, હાર-જીત તો ચાલ્યા કરે. અન્ય એક કાર્યકર્તાએ પોતાનો બળાપો ઠાલવતા કોમેન્ટમાં લખ્યું છે કે, સાહેબ તમારા જ તમને નડી ગયા. પઆપથની સામે નથી હાર્યા, આપણાની સામે હાર થઈ.