બેડીપરામાં હીંચકાની દોરી ગળામાં ફસાઇ જતા ધો.7ના વિદ્યાર્થીનું મોત
એકલોતા પુત્રના મોતથી વ્હોરા પરિવારમાં શોક છવાયો
રાજકોટના સામાકાંઠે બેડીપરામાં ઘરના ઉપરના માળે હિંચકામાં રમતી વખતે ગળામાં દોરી ફસાઈ જતાં ગળાફાંસો આવી જતા 13 વર્ષના ધો.7નાં છાત્રનું મૃત્યુ નિપજયું હતું. આ મામલે બી ડીવીઝન પોલીસના સ્ટાફે કાગળો કર્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ,બેડીપરામાં પટેલવાડી સામે શિતળા માતાજીનાં મંદિર પાસે રહેતો મહંમદ હોજેફાભાઈ સામ (ઉ.વ.13) આજે ઘરે ઉપરના માળે હિંચકામાં રમી રહ્યો હતો ત્યારે રમતા-રમતા હિંચકાની દોરી ગળામાં ફસાઈ જતા ગળાફાંસો આવી જતા તત્કાલ સિવિલમાં ખસેડાયો હતો.
જયાં તેનું મૃત્યુ નિપજયું હતું.આ ઘટનાની જાણ થતા બી-ડીવીઝન પોલીસના એએસઆઈ કે.સી.સોઢા સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી હતી.ધો.7માં અભ્યાસ કરતો મહમદ પરિવારનો એકલૌતો પુત્ર હતો.તેને એક બહેન છે.પિતા પ્રાઈવેટ નોકરી કરે છે.બનાવથી વ્હોરા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ ઘટના બની ત્યારે છોકરાઓ સ્કુલનું લેશન કરતા હતા. એકના એક પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.