જૂનાગઢમાં ગેસ લિકેજની ઘટનામાં દાઝેલા 7 વર્ષના માસૂમે દમ તોડ્યો
જૂનાગઢના ગીરનાર દરવાજા નજીક આવેલા ગણેશનગરમાં રાત્રિના 10 વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર ભૂલથી ખુલ્લું રહી જતા બ્લાસ્ટ થયો હતો. જેમાં એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા. ગંભીર રીતે દાઝેલા ચારેય સભ્યોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જેમાં માસુમ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
જૂનાગઢના ગીરનાર દરવાજા નજીક આવેલા ગણેશનગરમાં રહેતા કટારીયા પરિવારના સભ્યો રાત્રીના સમયે જમવાનું પતાવી પોતાના ફળિયામાં બેઠા હતા. ત્યારે પરિવારનો નાનો દીકરો હિતેશ પોતાના રૂૂમમાં વાંચતો હતો. રસોડામાં એલ્યુમિનિયમના સેક્શન વાળા બારી દરવાજા પણ બંધ હતા. ત્યારે અચાનક જ પરિવારના સભ્યોને રસોડામાં કંઈક કામ યાદ આવતા તેઓએ રસોડાનો દરવાજો ખોલી લાઈટ ઓન કરતાની સાથે જ રસોડામાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના લોકો પણ આ ધડાકાથી ડરી ગયા હતા. આ ધડાકો થતા કટારીયા પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા.
પરિવારના સભ્ય કાનજીભાઈ માવજીભાઈ કટારીયા (ઉં.56), તેનો દીકરો વિજય કટારીયા (ઉં 37), તેના પત્ની મનીષા વિજયભાઈ કટારીયા (ઉં.32) અને તેનો 7 વર્ષનો દીકરો દત્ત વિજય કટારીયા આ ગેસનો બાટલો ફાટવાથી ગંભીર રીતે દાઝ્યા હતા. બ્લાસ્ટની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક તેઓના ઘરે આવી પહોંચ્યા હતા. તેના ઘરે લોકો એકઠા થયા હતા. ત્યારે 108 દ્વારા ચારેય સભ્યોને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટર દ્વારા તમામની સારવાર શરૂૂૂ કરવામાં આવી હતી. ગંભીર રીતે દાઝેલા 7 વર્ષના બાળક તેમજ તેના માતા-પિતાની હાલત વધુ ગંભીર થતાં તેઓને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલા સાત વર્ષના માસુમ દત કટારીયાએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં ઘરના રસોડામાં રાખેલ ગેસના બાટલાનું રેગ્યુલેટર ભૂલથી ચાલુ રહી ગયું હતું. તેમજ રસોડાના એલ્યુમિનિયમ સેક્શન વાળા બારી દરવાજા બંધ હતા. રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોવાથી ગેસ આખા રસોડામાં ફેલાઈ ગયો હતો. અને અચાનક જ રસોડાની લાઈટ ઓન કરવા જતા બ્લાસ્ટ થયો હતો. જે બ્લાસ્ટમાં રસોડામાં રાખેલી ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ સળગી ઊઠી હતી. તો બીજી તરફ રસોડાની એલ્યુમિનિયમ સેક્શન વાળા બારી દરવાજાના કાચ પણ તૂટી ગયા હતા.